દહેગામ પોલીસની સરાહનીય કામગીરી: ઝાંક ગામની સીમમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, રૂ. 10,430 નો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત સક્રિય બની છે. આ જ ક્રમમાં દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝાંક ગામની સીમમાં દશરથજી ચંદુજી ઠાકોરના ખેતરમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમી રહેલા ૮ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનો સામાન મળી કુલ રૂ. ૧૦,૪૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન અ.પો.કોન્સ. વિક્રમભાઈ કમશીભાઈને બાતમી મળી હતી કે ઝાંક ગામની સીમમાં દશરથજી ચંદુજી ઠાકોરના ખેતરમાં કેટલાક શખ્સો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા લગાવી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ બાતમીવાળા સ્થળે રેડ કરી હતી, જ્યાંથી જાહેરમાં જુગાર રમતા તમામ આરોપીઓ રંગેહાથ પકડાઈ આવ્યા હતા.
આ કાર્યવાહીમાં સુનિલ ભરતજી ઠાકોર, દશરથજી ચંદુજી ઠાકોર, અરવિંદજી જશુજી ઠાકોર, ગોવિંદજી દિનેશજી ઠાકોર, બાબુભાઈ વિસાભાઈ રાવળ, નિલેષ રાજેશભાઈ ઠાકોર, રમેશભાઈ બાબરભાઈ રાવળ અને લક્ષ્મણજી શકરાજી ઠાકોર (તમામ રહે. ઝાંક ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર) ઝડપાઈ ગયા છે. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ. ૮,૭૮૦ અને દાંડા ઉપરથી રૂ. ૧,૬૫૦ સહિત કુલ રૂ. ૧૦,૪૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સફળ અને સંતોષકારક કામગીરી દહેગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના અ.હેડ.કોન્સ. ભદ્રેશકુમાર જ્યંતિભાઈ, અ.હેડ.કોન્સ. વિજયસિંહ તિતસિંહ, આ.હેડ.કોન્સ. કિરણસિંહ વિક્રમસિંહ, આ.પો.કોન્સ. ચિરાગકુમાર રમેશભાઈ, અ.પો.કોન્સ. વિક્રમભાઈ કમશીભાઈ, અ.પો.કોન્સ. રણજીતસિંહ ભીખુસિંહ, આ.પો.કોન્સ. તખાજી દીપસિંહ અને અ.લી.ર. મહેશજી ગલબાજી દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -