દીપ્તિ ગૌર મુખર્જીને મળી મોટી જવાબદારી: NEET વિવાદ વચ્ચે બન્યા નવા ઉચ્ચ શિક્ષણ સચિવ
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારના રોજ કરવામાં આવેલા ઉચ્ચ સ્તરીય વહીવટી ફેરબદલ હેઠળ, દીપ્તિ ગૌર મુખર્જીને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે વિનીત જોશીનું સ્થાન લેશે..જેમની ગત મહિને પંચાયત રાજ મંત્રાલયમાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
સોમવાર મોડી રાત્રે કરી ઘોષણા
ઉલ્લેખનીય છે કે જોશીના સ્થાને પશુપાલન અને ડેરી વિભાગના સચિવ નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ (ACC)એ તેના 23 જુલાઈના આદેશમાં આંશિક ફેરફાર કરીને મુખર્જીને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે.
1993 બેચના IAS અધિકારી
મધ્યપ્રદેશ કેડરના 1993 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી મુખર્જી હાલમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં સચિવ પદે કાર્યરત છે. સોમવાર મોડી રાત્રે જારી કરાયેલા આદેશ મુજબ, મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે મુખર્જીની નિમણૂકને મંજૂરી આપી છે.
NEET-UG વિવાદના પગલે મહત્વપૂર્ણ જવાબદારી
આ નિમણૂક નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG) પ્રશ્નપત્ર લીક વિવાદના પગલે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, યુવા બાબતોના વિભાગના સચિવ પલ્લવી જૈન ગોવિલ કોર્પોરેટ બાબતોના નવા સચિવ બનશે.
અન્ય અધિકારીઓને પણ મળી મોટી જવાબદારી
આ ઉપરાંત, મંત્રીમંડળ સચિવાલયમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર (OSD) સુશીલ કુમાર લોહાનીને ભારતીય આંતરદેશીય જળમાર્ગ ઓથોરિટી (IWAI)ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના સચિવ વી. એલ. કાંતા રાવને ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગમાં વિશેષ કાર્ય અધિકારી (OSD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ આગામી મહિનાના અંતમાં વર્તમાન સચિવ અંશુલી આર્યાની નિવૃત્તિ પછી રાજભાષા વિભાગના સચિવનો પદભાર સંભાળશે. રાવના સ્થાને વરિષ્ઠ નોકરશાહ અર્ચના વર્મા જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના નવા સચિવ બનશે.
- Advertisement -
- Advertisement -