ગુજરાતના બાળકો માટે મોટી જાહેરાત: જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળકનું બનશે ‘હેલ્થ પાસપોર્ટ’
ગુજરાત સરકારે બાળકો અને કિશોર-કિશોરીઓની આરોગ્ય સેવાઓને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘હેલ્થ પાસપોર્ટ’ની શરૂઆત કરી છે. સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ($SH-RBSK$) હેઠળ રાજ્યમાં જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળકનો હેલ્થ પાસપોર્ટ તૈયાર કરવામાં આવશે..આમાં બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીના સ્વાસ્થ્ય સંબંધિત તમામ રેકોર્ડ એક જ દસ્તાવેજમાં ઉપલબ્ધ રહેશે. આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત ૨૭ જૂનન (૨૦૨૬) ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરી હતી.
દર વર્ષે ૧.૮૯ કરોડ બાળકોનું થશે સ્વાસ્થ્ય પરીક્ષણ
સરકારના જણાવ્યા અનુસાર, $SH-RBSK$ હેઠળ રાજ્યમાં દર વર્ષે આશરે ૧.૮૯ કરોડ બાળકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ ૯૯૨ મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી આ તપાસનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ રહેતો હતો, પરંતુ વાલીઓ પાસે એવો કોઈ દસ્તાવેજ નહોતો જેનો નિયમિત તપાસ, સારવાર કે ફોલો-અપ દરમિયાન સરળતાથી ઉપયોગ કરી શકાય. હેલ્થ પાસપોર્ટ આ જ જરૂરિયાતને પૂરી કરશે.
સ્ક્રીનિંગના સ્થળે જ મળશે હેલ્થ પાસપોર્ટ
હેલ્થ પાસપોર્ટ બનાવવા માટે વાલીઓએ કોઈ વધારાના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે નહીં. $SH-RBSK$ની મોબાઈલ હેલ્થ ટીમો આંગણવાડી, શાળા, મદ્રેસા, ગુરુકુળ અને સ્પેશિયલ શાળાઓમાં બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરશે. સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી થયા પછી બાળકોને ત્યાં જ હેલ્થ પાસપોર્ટ આપી દેવામાં આવશે.
પાસપોર્ટનું નવીનીકરણ (રીન્યુઅલ) કોણ કરશે?
-
૫ વર્ષ સુધીના અને શાળાએ ન જતા બાળકો: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ($PHC$) ના મેડિકલ ઓફિસર દર વર્ષે નવીનીકરણ કરશે.
-
શાળાએ જતા વિદ્યાર્થીઓ: સંબંધિત શાળાના આચાર્ય (પ્રિન્સિપાલ) તેનું નવીનીકરણ કરશે.
જન્મથી ૧૮ વર્ષ સુધીનો રહેશે સંપૂર્ણ સ્વાસ્થ્ય રેકોર્ડ
હેલ્થ પાસપોર્ટ બાળકની વ્યક્તિગત મેડિકલ હિસ્ટ્રીનો એક સંકલિત દસ્તાવેજ હશે. આમાં બાળકની સામાન્ય માહિતી સાથે જન્મથી ૧૮ વર્ષ સુધીની ઉંમર મુજબના સ્વાસ્થ્ય પરીક્ષણનો સંપૂર્ણ રેકોર્ડ નોંધાયેલો રહેશે.
આ ઉપરાંત, સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ($SH-RBSK$) હેઠળ નક્કી કરાયેલી ચાર મુખ્ય શ્રેણીઓ એટલે કે ‘4D’ નો સમાવેશ પણ આમાં થશે:
૧. જન્મજાત ખામીઓ (Defects at birth)
૨. રોગો (Diseases)
૩. પોષણની ઉણપ (Deficiencies)
૪. વિકાસમાં વિલંબ અથવા દિવ્યાંગતા (Developmental delays including disability)
પાસપોર્ટમાં બાળકના શારીરિક અને માનસિક વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સેવાઓ, સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત સૂચનો, લાઈફસ્ટાઈલ એડવાઈઝ અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ લખેલા હશે.
ડિજિટલ પોર્ટલ સાથે સંપૂર્ણ લિંક રહેશે
હેલ્થ પાસપોર્ટની ફિઝિકલ (ભૌતિક) નકલ વાલીઓ પાસે રહેશે, જ્યારે તેને $SH-RBSK$ના ડિજિટલ પોર્ટલ સાથે પણ જોડવામાં આવશે. આનાથી રેકોર્ડનું સંચાલન સરળ બનશે. જો કોઈ કારણસર હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવો હેલ્થ પાસપોર્ટ મેળવી શકાશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય માત્ર બાળકોના મેડિકલ રેકોર્ડ તૈયાર કરવાનો નથી. પરંતુ વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય વ્યવસ્થાપનમાં સક્રિય ભાગીદાર બનાવવાનો પણ છે. જેથી બાળકો, વાલીઓ અને આરોગ્ય તંત્ર વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત થઈ શકે.
- Advertisement -
- Advertisement -