જેલમાં જ રહેશે આસારામ: સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત નકારી, તબિયત ખરાબ હોવાની દલીલ પણ ન ચાલી
નાબાલિક (સગીરા) પર દુષ્કર્મના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) તરફથી ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની એ અરજી પર તાત્કાલિક કોઈ પણ વચગાળાની રાહત કે જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. જેમાં તેમણે ખરાબ તબિયત અને સારવારનો હવાલો આપીને જેલમાંથી બહાર આવવાની વિનંતી કરી હતી. અદાલતના આ કડક વલણ બાદ આસારામના સમર્થકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. આ સાથે જ કોર્ટે આ મામલે રાજસ્થાન સરકારને નોટિસ ફટકારીને બે અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
‘અમે અત્યારે જામીન નથી આપી રહ્યા’ – સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને પડકારતી આસારામની અરજી પર સુનાવણી દરમિયાન બેન્ચે મૌખિક રીતે કહ્યું કે, “અમે અત્યારે જામીન નથી આપી રહ્યા. રાજ્ય સરકારની દલીલ સાંભળ્યા પછી જ અમે એ વાત પર વિચાર કરીશું કે, શું જામીન આપવાની કોઈ ગંભીર જરૂરિયાત છે. જેમ કે એવી સ્થિતિ જેમાં તેના જીવને જોખમ હોય.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જામીનની જરૂરિયાતને લઈને અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે.
આસારામના વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમની ઉંમર ઘણી થઈ ચૂકી છે અને તેઓ ઘણી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જેના માટે તેમને જેલની બહાર વિશેષ સારવારની જરૂર છે. જો કે, સર્વોચ્ચ અદાલતે આ દલીલોને હાલ પૂરતી અપૂરતી ગણી અને તાત્કાલિક મુક્તિનો રસ્તો રોકી દીધો.
રાજસ્થાન હાઈકોર્ટ પહેલા જ વચગાળાની રાહત રદ કરી ચૂકી છે
અત્રે નોંધનીય છે કે, આ વર્ષે મે મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામની આજીવન કેદની સજા યથાવત રાખતા તેમની વચગાળાની જામીન અરજી રદ કરી દીધી હતી. જેના કારણે આસારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કરવું પડ્યું હતું. જો કે, હાઈકોર્ટે તેમને ભારતીય દંડ સંહિતા (IPC) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ‘પેનિટ્રેટિવ’ યૌન શોષણના આરોપોમાંથી મુક્ત કર્યા હતા. હાઈકોર્ટના આ જ આદેશને પડકારતા આસારામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.પરંતુ અહીં પણ તેમની કાનૂની ટીમને તાત્કાલિક સફળતા મળી શકી નથી.
2013ના કેસમાં કાપી રહ્યા છે આજીવન કેદની સજા
આસારામને વર્ષ 2018માં જોધપુરની એક વિશેષ અદાલતે પોતાના આશ્રમમાં એક સગીર શિષ્યા સાથે યૌન ઉત્પીડન અને દુષ્કર્મનો દોષિત જાહેર કર્યો હતો. આ સનસનાટીભર્યા કેસમાં અદાલતે તેમને કુદરતી આયુષ્ય (જીવનના અંત) સુધી આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આસારામ ઘણી વખત તબીબી અને અન્ય આધારો પર જામીન મેળવવા માટે ઉપલી અદાલતોમાં અરજીઓ કરી ચૂક્યા છે. પરંતુ કેટલીક તકો પર મળેલી અસ્થાયી રાહતોને બાદ કરતાં તેમને કોઈ કાયમી રાહત મળી શકી નથી.
- Advertisement -
- Advertisement -