ભારતીય સેનાના બે જાબાંઝ જવાનોએ રચ્યો ઇતિહાસ: વર્લ્ડ રોઇંગ કપમાં દેશને અપાવ્યો સર્વપ્રથમ ગોલ્ડ મેડલ
ભારતીય સેનાના બે જાબાંઝ જવાનો લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહે સ્વિટ્ઝરલેન્ડના લ્યુસર્ન ખાતે યોજાયેલા ૨૦૨૬ વર્લ્ડ રોઇંગ કપ III (World Rowing Cup III) માં ઇતિહાસ રચી દીધો છે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતીય જોડીએ શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે સર્વપ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. લાઇટવેઇટ પુરૂષ ડબલ સ્કલ્સના ફાઇનલ મુકાબલામાં લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહની જોડીએ માત્ર ૬ મિનિટ ૨૬.૦૯ સેકન્ડનો સમય નીકાળીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ રોમાંચક રેસમાં તેમને હોંગકોંગ અને નેધરલેન્ડ્સની જોડીઓ તરફથી કડી ટક્કર મળી હતી. પરંતુ ભારતીય જવાનો તેમને પાછળ છોડવામાં સફળ રહ્યા હતા.
વર્લ્ડ રોઇંગ કપ સિરીઝના ઇતિહાસમાં ભારતને પહેલીવાર મળ્યો ગોલ્ડ
લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહ હવે એવી પહેલી ભારતીય જોડી બની ગઈ છે, જે વર્લ્ડ રોઇંગ કપ સિરીઝમાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળ રહી હોય. ભારતીય જોડીએ જ્યાં ૬:૨૬.૦૯ મિનિટમાં પોતાની રેસ પૂરી કરી હતી, ત્યાં બીજા ક્રમે હોંગકોંગની સેન તુંગ લામ અને ટિક લુન ચાનની જોડી રહી હતી, જેમણે ૬:૨૭.૧૪ મિનિટનો સમય લીધો હતો. જ્યારે આ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને નેધરલેન્ડ્સની એરિક વેન ઇજક વેન હેસ્લિંગા અને ફ્રેડરિક પ્લોએગની જોડી રહી હતી, જેમણે ૬:૨૭.૩૬ મિનિટમાં રેસ પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સુવર્ણ પદક વિજેતા લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સિંહ બંને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવે છે અને લ્યુસર્ન ખાતે ગયેલા ભારતીય દળનો હિસ્સો છે. આ રેગાટા (નૌકાસ્પર્ધા)માં ભાગ લેનારી ૧૮ સભ્યોની ભારતીય ટીમમાંથી ૧૭ એથ્લેટ્સ ભારતીય સેનાના અને એક એથ્લેટ ભારતીય નૌસેના (નેવી)માંથી છે. આ ઐતિહાસિક સ્પર્ધા લ્યુસર્નની પ્રખ્યાત ‘રોટસી લેક’ (Rotsee Lake) ખાતે યોજાઈ હતી, જેને શાંત પાણી અને ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડના ૨૦૦૦ મીટર લાંબા છ-લેન કોર્સના કારણે દુનિયાના સૌથી શ્રેષ્ઠ રોઇંગ વેન્યુમાંથી એક માનવામાં આવે છે.
ભારતે આ પહેલા જીત્યા હતા ત્રણ બ્રોન્ઝ મેડલ
વર્લ્ડ રોઇંગ કપના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતતા પહેલા ભારતે અત્યાર સુધીમાં માત્ર ત્રણ બ્રોન્ઝ (કાંસ્ય) મેડલ મેળવ્યા હતા. જેમાં દેશને પહેલો મેડલ વર્ષ ૨૦૦૯માં મહિલા કેટેગરીમાં મળ્યો હતો, જ્યારે બીજો અને ત્રીજો મેડલ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૨માં પેરા ડબલ્સ કેટેગરીમાં મળ્યો હતો.
નોંધનીય છે કે, લ્યુસર્ન ખાતે ૨૬ થી ૨૮ જૂન દરમિયાન આયોજિત વર્લ્ડ રોઇંગ કપ III માં વિશ્વના ૪૨ દેશોના ૬૫૦ થી વધુ એથ્લેટોએ ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ આ વર્ષના અંતમાં યોજાનારી વર્લ્ડ રોઇંગ ચેમ્પિયનશિપની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
- Advertisement -
- Advertisement -