લખનઉ અગ્નિકાંડ: ગેમિંગ ઝોન ધરાવતી ઇમારતમાં ભીષણ આગથી 15 લોકોનાં મોત; જીવ બચાવવા લોકો છત પરથી કૂદ્યા
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અલીગંજના પુરાનિયા વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં 14 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં જાનહાનિનો ભોગ બનેલા તમામ મૃતકોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
ઇમારતમાં ગેમિંગ ઝોન કાર્યરત હતો શરૂઆતના અહેવાલોમાં ઘટનાસ્થળે કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ઇમારતમાં કોઈ કોચિંગ સેન્ટર નહોતું. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ (પ્રાણીઓની દુકાન) આવેલી હતી, જ્યારે ઉપરના માળે ગેમિંગ ઝોન કાર્યરત હતો, જ્યાં કર્મચારીઓ ગેમિંગ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા.
જીવ બચાવવા માટે લગાવી કૂદકો આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઉપરના માળે હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બાલ્કની અને બિલ્ડિંગના અન્ય ભાગોમાંથી કૂદકો મારવો પડ્યો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું ઘટના દરમિયાન કેટલાક લોકો બાથરૂમમાં ફસાઈ ગયા હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જોકે, સ્થાનિક લોકોની મદદથી ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાકીના તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
પીએમ મોદી દ્વારા આર્થિક સહાયની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. આ સાથે જ વડાપ્રધાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના આશ્રિતોને ₹2-2 લાખ અને ઘાયલોને યોગ્ય આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.જયારે ઇજાગ્રસ્તોને રૂપિયા 50-50 હજાર સહાયની જાહેરાત કરવામાં આવી છે..
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ કાર્યક્રમો રદ કર્યા
આ ભયાનક દુર્ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક પોતાના તમામ નિર્ધારિત કાર્યક્રમો રદ કરી દીધા છે. સીએમ યોગીએ વહીવટીતંત્રને ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવા અને ઘાયલોને હોસ્પિટલમાં મફત તેમજ શ્રેષ્ઠ સારવાર આપવાના કડક આદેશો આપ્યા છે.
- Advertisement -
- Advertisement -