સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના લાઈવ શોમાં હોબાળો: સુરક્ષા ઘેરો તોડી ખાલિસ્તાની ઝંડો લઈ પ્રદર્શનકારી સ્ટેજ પર ધસી આવ્યો
કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કોમાં ચેઝ સેન્ટર ખાતે યોજાયેલા દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટ દરમિયાન ભારે હોબાળો થયો હતો. ગાયકના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં એક પ્રદર્શનકારી સુરક્ષા કોર્ડન તોડીને અચાનક સ્ટેજ પર પહોંચી ગયો હતો. તેના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો હતો. જેને જોઈને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને કારણે લાઈવ શોને થોડીવાર માટે રોકી દેવાની ફરજ પડી હતી.
સ્ટેજ પર અચાનક ધસી આવ્યો પ્રદર્શનકારી
કાર્યક્રમ દરમિયાન જ્યારે ગાયક સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. ત્યારે આ પ્રદર્શનકારી અચાનક તેમની પાછળ આવીને ઊભો રહી ગયો હતો. ગાયકે પોતાની નજીક પ્રતિબંધિત ઝંડો લહેરાવતા વ્યક્તિને જોયો ત્યારે તેઓ અચાનક ચોંકી ગયા હતા અને પર્ફોર્મન્સ અધવચ્ચે જ અટકાવી દીધું હતું. પરિસ્થિતિ વણસે તે પહેલાં જ ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરીને તે વ્યક્તિને પકડી લીધો હતો અને સ્ટેજ પરથી બહાર લઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસ અધિકારીઓએ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશમાં આયોજિત કોન્સર્ટમાં આ પ્રકારની આ વિરોધ પ્રદર્શનની પ્રથમ ઘટના નથી, આ પહેલા પણ અન્ય દેશોમાં આવા કાર્યક્રમો દરમિયાન અલગતાવાદી નારાબાજી અને હંગામાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
પ્રશંસકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં: ગાયકનો કડક સંદેશ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને પ્રદર્શનકારીઓની આ પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર કાર્યક્રમની બહાર સુધી સીમિત હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને કાર્યક્રમની અંદર આવીને ટિકિટ ખરીદીને આવેલા પ્રશંસકોની સુરક્ષા અને શાંતિ જોખમમાં મૂકવાની મંજૂરી આપી શકાય નહીં.
સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ દેશના ચાહકો પોતાના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવવા ઝંડા કે બેનર લાવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ જો તેની પાછળનો ઈરાદો હંગામો કરવાનો કે લોકોને હેરાન કરવાનો હશે. તો તેને બિલકુલ સહન કરવામાં નહીં આવે. ભવિષ્યમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે સુરક્ષા એજન્સીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -