35.6 C
Ahmedabad
Thursday, June 18, 2026

મોસ્કો ધણધણ્યું: યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ વચ્ચે તમામ એરપોર્ટ ઠપ્પ


યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક ડ્રોન હુમલો કરીને રશિયન તંત્રને હચમચાવી દીધું છે. આ અઠવાડિયામાં બીજી વખત મોસ્કોની એક પ્રતિષ્ઠિત ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ઝેલેન્સ્કીનું નિવેદન: “આ રશિયાને સણસણતો જવાબ છે”

સોશિયલ મીડિયા પર આ હુમલાના વીડિયો વાયરલ થયા બાદ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે, આ હુમલો તાજેતરમાં રશિયા દ્વારા કિવ (Kyiv) પર કરવામાં આવેલા ઘાતકી હુમલાનો “યોગ્ય અને ન્યાયી જવાબ” છે.

  • ઐતિહાસિક વારસા પર હુમલો: તાજેતરમાં રશિયાએ યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કિવ-પેચેરસ્ક લાવરા મઠ સંકુલના ‘ડોર્મિશન કેથેડ્રલ’ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા.

  • ઝેલેન્સ્કીનો ટ્વીટ (X): “રશિયાના યુદ્ધના મશીનને જીવંત રાખતી સુવિધાઓ (રિફાઈનરી વગેરે) વિરુદ્ધ અમારા યોદ્ધાઓની આ કાર્યવાહી એક મોટું પરિણામ છે. હવે પુતિને વાટાઘાટો અને ડિપ્લોમેસી (રાજદ્વારી) નો રસ્તો અપનાવી યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ.”

  • આ હુમલાને ‘ઓપરેશન સ્પાઈડર્સ વેબ’ પછીનો યુક્રેનનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.

રશિયામાં હડકંપ: 555 ડ્રોન તોડી પડાયા, તમામ એરપોર્ટ બંધ

રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, યુક્રેન તરફથી અણધાર્યો અને મોટો હુમલો થયો હતો:

  • રશિયન સેનાએ અલગ-અલગ વિસ્તારોમાં યુક્રેનના આશરે 555 ડ્રોન તોડી પાડ્યા છે.

  • માત્ર મોસ્કો તરફ આગળ વધી રહેલા 200 જેટલા ડ્રોનને હવામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા.

  • એરપોર્ટ એલર્ટ: સુરક્ષાના કડક પગલાંના ભાગરૂપે રશિયાના પરિવહન મંત્રાલયે મોસ્કોના તમામ મુખ્ય એરપોર્ટ — શેરેમેત્યેવો, ડોમોડેડોવો, વ્નુકોવો અને ઝુકોવ્સ્કી પરથી તમામ ફ્લાઈટ્સ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે.

પુતિનની હાઈ-પ્રોફાઈલ ASEAN બેઠક વચ્ચે જ હુમલો

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કઝાન શહેરમાં એશિયાન (ASEAN) દેશોના નેતાઓની યજમાની કરી રહ્યા છે.

સમિટની વિગતો: આ બેઠકમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ, મલેશિયા અને સિંગાપોરે તેમના વડાપ્રધાનોને મોકલ્યા છે.જ્યારે ફિલિપિન્સે તેના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસને મોકલ્યા છે.

હુમલાના થોડા કલાકો પહેલા જ પુતિને સત્તાવાર સ્વાગત સમારોહમાં કહ્યું હતું કે, “રશિયા અને એશિયાન દેશો મળીને એક ન્યાયી વિશ્વ વ્યવસ્થા બનાવવા અને દેશોની સાર્વભૌમ સમાનતાની રક્ષા કરવાના પક્ષમાં છે.” ચાર વર્ષ લાંબા ચાલી રહેલા આ યુદ્ધ વચ્ચે રશિયા જ્યારે પોતાની આર્થિક અને રાજદ્વારી સ્થિરતા સાબિત કરવા મથામણ કરી રહ્યું છે. ત્યારે યુક્રેનના આ હુમલાએ રશિયાની ચિંતામાં મોટો વધારો કર્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -