સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક બેટિંગ અને શ્રી ચરનીની ધારદાર બોલિંગ સામે ડચ ટીમ નતમસ્ત

વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી જીત મેળવી છે. લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાયેલી રોમાંચક મેચમાં ભારતની ‘વુમેન ઇન બ્લુ’ બ્રિગેડે નેધરલેન્ડ્સને 95 રનના વિશાળ અંતરથી કારમી હાર આપી છે. ભારતની આ શાનદાર જીતની મુખ્ય હીરો સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના રહી હતી. જેણે પોતાની ધમાકેદાર બેટિંગથી ડચ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. જ્યારે બીજી તરફ બોલિંગમાં શ્રી ચરનીની ઘાતક બોલિંગ સામે નેધરલેન્ડ્સની આખી ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી.
મંધાના અને શેફાલીની તોફાની ઓપનિંગ પાર્ટનરશિપ
મેચમાં નેધરલેન્ડ્સના કેપ્ટન બેબેટ ડી લીડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમનો આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મેદાનની ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને પ્રથમ વિકેટ માટે જ 115 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. સ્મૃતિ મંધાનાએ માત્ર 47 દડામાં 11 ચોગ્ગા અને 1 ગગનચુંબી છગ્ગાની મદદથી 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યારે શેફાલી વર્માએ 38 દડામાં 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ભારતે નેધરલેન્ડ્સને આપ્યો 210 રનનો પહાડ જેવો ટાર્ગેટ
ઓપનર્સે સેટ કરેલા મજબૂત પ્લેટફોર્મ બાદ મધ્યમ ક્રમમાં જેમિમા રોડ્રિગ્સે 19, રિચા ઘોષે 20, યાસ્તિકા ભાટિયાએ 3, કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 અને દીપ્તિ શર્માએ 10 રનનું યોગદાન આપ્યું હતું. આ આક્રમક બેટિંગના જોરે ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 209 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ડચ ટીમ તરફથી કેરોલિન ડી લેંગે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે આઇરિસ ઝવિલિંગ, હીથર સીજર્સ અને માયર્થે વેન ડેન રાડે એક-એક વિકેટ મેળવી હતી.
શ્રી ચરાનીની સ્પિન જાળમાં ફસાઈ ડચ ટીમ, 114 રનમાં ઓલઆઉટ
210 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર હીથર સીજર્સે 21 અને ફેબે મોલ્કેનબોઅરે 15 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે આવેલી કેપ્ટન બેબેટ ડી લીડે 28 અને સ્ટેરે કાલિસે 18 રન બનાવી સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સિવાયની કોઈ પણ બેટર ડબલ ડિજિટ (બે આંકડાના સ્કોર) સુધી પણ પહોંચી શકી નહોતી. ભારતીય બોલરોની આક્રમકતા સામે સમગ્ર ડચ ટીમ 17.3 ઓવરમાં માત્ર 114 રન પર જ સમેટાઈ ગઈ હતી.
ભારત તરફથી બોલિંગમાં પદાર્પણ કરી રહેલી શ્રી ચરાનીએ તરખાટ મચાવતા પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 4.75ની ઇકોનોમીથી 19 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. શેફાલી વર્માએ પણ બેટિંગ બાદ બોલિંગમાં કમાલ કરતા 3 વિકેટ મેળવી હતી, જ્યારે નંદિની શર્માને 2 અને દીપ્તિ શર્માને 1 વિકેટ મળી હતી. બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ સ્મૃતિ મંધાનાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -