કેનેડા :16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાગશે પ્રતિબંધ
તમારા સ્વાસ્થ્યની સુરક્ષા, એ જ અમારો સંકલ્પ. ગાંધીનગર એક્સપ્રેસના સહયોગી ‘ક્રિશ્ના પેથોલોજી લેબોરેટરી’ વતી આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છાઓ

બાળકોની ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા એક નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓને નિયમોમાં છૂટછાટ ત્યારે જ મળશે. જ્યારે તેઓ તાર્કિક રીતે સાબિત કરી બતાવશે કે તેમનું પ્લેટફોર્મ બાળકો માટે દરેક રીતે સુરક્ષિત છે.
કેનેડાના સંસ્કૃતિ મંત્રી માર્ક મિલરે આ મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આપણે આપણા બાળકોને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહ્યા છીએ. હવે ઘણું થયું, આપણે સુરક્ષાના પાયાના નિયમો કડક રીતે લાગુ કરવા જ પડશે.” આ નવો કાયદો મુખ્યત્વે ૭ પ્રકારની નુકસાનકારક બાબતોને રોકવા પર કામ કરશે. જેમાં આત્મહત્યા કે ખુદને નુકસાન પહોંચાડવાની ઉશ્કેરણી, હિંસા ભડકાવવી, નફરત (Hate Speech) ફેલાવવી અને સંમતિ વગર કોઈની અંગત તસવીરો વાયરલ કરવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
આ કાયદાના અસરકારક અમલીકરણ માટે સરકાર ‘ડિજિટલ સેફ્ટી કમિશન ઓફ કેનેડા’ નામે એક નવો સ્વાયત્ત વિભાગ શરૂ કરવા જઈ રહી છે.જેને સંપૂર્ણ રીતે કાર્યરત થતાં અંદાજે 18 મહિના જેટલો સમય લાગશે. આ નવનિર્મિત વિભાગ જ નક્કી કરશે કે કઈ કંપની નિયમોનું પાલન કરે છે અને કોને ડિજિટલ સ્પેસમાં કામ કરવાની છૂટ આપવી. વિશેષ બાબત એ છે કે આ કાયદો માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ બનાવતી ટેક કંપનીઓ પર પણ સમાન રીતે લાગુ થશે. અશ્લીલ (Adult) કન્ટેન્ટ પીરસતા પ્લેટફોર્મ્સને કોઈપણ સંજોગોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં અને કંપનીઓએ યુઝર્સની ઉંમર તપાસવા માટે ફૂલપ્રૂફ ડિજિટલ સિસ્ટમ બનાવવી પડશે.
બાળકોને ડિજિટલ આડઅસરોથી બચાવવા માટે વૈશ્વિક સ્તરે પણ આવી ઝુંબેશ તેજ થઈ છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ ઉંમર સંબંધિત નિયમો પહેલાથી જ લાગુ કરી દીધા છે. ઓસ્ટ્રેલિયામાં આ કાયદો આવ્યા બાદ બાળકોના અંદાજે 47 લાખ જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. જેના અનુભવ પરથી કેનેડા સરકાર પણ પોતાના નિયમો વધુ કડક બનાવી રહી છે. આ ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ આવા જ કાયદા લાવવાની તડામાર તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ, ‘કેનેડિયન સેન્ટર ફોર ચાઇલ્ડ પ્રોટેક્શન’ સંસ્થાએ સરકારના આ ઐતિહાસિક પગલાની જોરદાર પ્રશંસા કરી છે. સંસ્થાના મતે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો સાથે થતા ઓનલાઈન ગુનાઓ અને શોષણના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે.જેથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની રક્ષા માટે આવા કડક કાયદા સમયની માગ છે.
- Advertisement -
- Advertisement -