સિંગર કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા શખ્સે છૂટાછેડાની નકલી અરજી કરી: કોર્ટની નોટિસ મળતાં દંપતી સ્તબ્ધ, પોલીસ તપાસ શરૂ

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના અંગત જીવનને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા શખ્સે બોગસ છૂટાછેડાની અરજી દાખલ કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે જ્યારે કોર્ટ દ્વારા કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ પાઠવવામાં આવી, ત્યારે સમગ્ર ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સિંગર અને તેમનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. કાજલ મહેરિયાએ આ શંકાસ્પદ અરજી અંગે મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને કાયદેસરની તપાસની માંગ કરી છે.
આ કાવતરાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અરજીમાં દર્શાવેલા વકીલોએ પણ કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો છે કે આ અરજીમાં તેમની સહી નથી. કોઈ અજ્ઞાત વ્યક્તિએ વકીલના સનદ નંબર (રજિસ્ટ્રેશન નંબર)નો ગેરકાયદેસર ઉપયોગ કરીને આ આખી નકલી અરજી તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દીધી હતી. કાજલ મહેરિયાના સત્તાવાર વકીલે આ સમગ્ર શંકાસ્પદ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ પણ લેખિત રજૂઆત કરી છે.
બોગસ અરજીમાં એવો તદ્દન ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે કાજલ અને તેના પતિ વચ્ચે લાંબા સમયથી મનમેળ નથી અને પરિવારના પ્રયાસો છતાં સંબંધો સુધર્યા નથી. જેથી ભવિષ્યમાં સાથે રહેવાની કોઈ શક્યતા નથી. એટલું જ નહીં, તેમાં કાજલ છેલ્લા 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જે સંપૂર્ણપણે ભ્રામક સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે, કાજલ અને અલ્પેશના લગ્ન 1 મે 2024ના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ થયા હતા. જ્યારે સત્તાવાર મેરેજ સર્ટિફિકેટ અનુસાર તેમના લગ્ન 10 ઓક્ટોબર 2025ના રોજ નોંધાયેલા છે. આંતરજ્ઞાતિ લગ્ન હોવાના કારણે શરૂઆતમાં સામાજિક સ્તરે વિરોધ થયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો.ત્યારે હવે આ નકલી ડિવોર્સ અરજી પાછળ કોનો હાથ છે તે કાયદાકીય તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
- Advertisement -
- Advertisement -