T20 વર્લ્ડ કપ પહેલા ભારતની ધમાકેદાર શરૂઆત: વોર્મ-અપ મેચમાં વેસ્ટઇન્ડીઝને 26 રને હરાવ્યું, સ્પિનર્સનો તરખાટ

12 જૂનથી શરૂ થઈ રહેલા વુમન્સ ટી20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય મહિલા ટીમે વિજયી શંખનાદ કર્યો છે. 8 જૂનના રોજ રમાયેલા પોતાના પ્રથમ વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમે વેસ્ટઇન્ડીઝને ૨૬ રને હરાવીને શાનદાર જીત મેળવી છે. સામાન્ય રીતે ઇંગ્લેન્ડની પિચો ફાસ્ટ બોલરો માટે મદદગાર માનવામાં આવે છે. પરંતુ આ મેચમાં ભારતના કાતિલ સ્પિન આક્રમણ સામે વેસ્ટઇન્ડીઝના બેટર્સ લાચાર નજરે પડ્યા હતા. ભારતીય સ્પિનર્સે તરખાટ મચાવતા વિન્ડીઝની ૭ વિકેટો ઝડપી લીધી હતી. હવે ભારતીય ટીમ પોતાની આગામી વોર્મ-અપ મેચ ૧૦ જૂને યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે.
શ્રેયંકા પાટીલ અને રાધા યાદવની કમાલ કાર્ડિફ ખાતે રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડીઝ સામે જીતવા માટે ૧૮૦ રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમને ડિયેન્દ્રા ડોટિન અને શેમેન કેમ્પબેલે સારી શરૂઆત અપાવી હતી અને બંને વચ્ચે ૫૪ બોલમાં ૬૩ રનની ભાગીદારી થઈ હતી. કેમ્પબેલ ૨૫ રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ હતી, જ્યારે ડિયેન્દ્રા ડોટિને ૪૪ બોલમાં ૪૯ રન ફટકાર્યા હતા.
જો કે, ૧૧મી ઓવરમાં શ્રેયંકા પાટીલે બે વિકેટ અને ૧૪મી ઓવરમાં રાધા યાદવે ત્રણ વિકેટ ઝડપીને વેસ્ટઇન્ડીઝના બેટિંગ ઓર્ડરના છોતરાં ઉડાવી દીધા હતા. વિન્ડીઝની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૫૩ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શ્રેયંકા પાટીલે ઘાતક બોલિંગ કરતા ૪ વિકેટ અને રાધા યાદવે ૩ વિકેટ પોતાના નામે કરી હતી.
શેફાલી અને મંધાનાની તોફાની શરૂઆત ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ તાબડતોડ બેટિંગ કરીને ૫મી ઓવરમાં જ ટીમનો સ્કોર ૫૦ને પાર પહોંચાડી દીધો હતો. ભારતને પહેલો ઝટકો છઠ્ઠી ઓવરમાં સ્મૃતિ મંધાનાના રૂપમાં લાગ્યો હતો, જેણે ૨૩ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ૩૯ રન ઝૂડી કાઢ્યા હતા. ત્યારબાદ શેફાલી વર્મા પણ ૨૯ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ હતી, જ્યારે જેમિમા રોડ્રિગ્સ માત્ર ૭ રન જ બનાવી શકી હતી.
ભારતી ફુલમાલીની શાનદાર અડધી સદી એક સમયે ઉપરાઉપરી વિકેટો પડ્યા બાદ યાસ્તિકા ભાટિયા અને ભારતી ફુલમાલીએ ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે ૪૪ બોલમાં ૬૧ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. યાસ્તિકા ભાટિયાએ ૨૬ બોલમાં ૬ ચોગ્ગા સાથે ૩૬ રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ, ભારતી ફુલમાલીએ શાનદાર બેટિંગ કરતા ૪૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૦ રનની અણનમ અડધી સદી ફટકારી હતી.
આ બંનેની ઉપયોગી ઇનિંગ્સના જોરે ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકસાને ૧૭૯ રનનો સ્કોર ખડક્યો હતો. વેસ્ટઇન્ડીઝ તરફથી આ મેચમાં કુલ ૯ બોલરોએ બોલિંગ કરી હતી, જેમાં એફી ફ્લેચરે ૨૩ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી.ઉલ્લેખનીય છે કે, ટી૨૦ વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં ભારતીય મહિલા ટીમ ૧૪ જૂને પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની સત્તાવાર શરૂઆત કરશે.
- Advertisement -
- Advertisement -