સપના ચૌધરી સાથે સ્ટેજ ગજવનાર રાગિણી કિંગ પેપ્સી શર્મા દુનિયાને કહી ગયા અલવિદા, નાગિન ડાન્સનો વીડિયો થયો હતો સુપરહિટ

હરિયાણવી લોકગાયક અને દેશભરમાં પોતાની રાગિણી ગાયકી માટે જાણીતા મશહૂર કલાકાર પેપ્સી શર્મા ઉર્ફે યશપાલ શર્માએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. માત્ર 38 વર્ષની નાની ઉંમરે હાર્ટ અટેક આવવાને કારણે તેમનું કરુણ અવસાન થયું છે. પરિવારના જણાવ્યા અનુસાર, અચાનક જ તેમની છાતીમાં જોરદાર દુખાવો ઉપડ્યો હતો, જે બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રાષ્ટ્રીય લોકદળે પાઠવી શ્રદ્ધાંજલિ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પટલા ગામના વતની પેપ્સી શર્માએ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં પોતાના સ્ટેજ પરફોર્મન્સથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેમના નિધન પર રાષ્ટ્રીય લોકદળ (RLD) દ્વારા સોશિયલ મીડિયા પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીએ પોસ્ટ શેર કરીને લખ્યું કે, “પોતાની રાગિણી દ્વારા લોકોના દિલમાં અનોખું સ્થાન બનાવનાર પ્રસિદ્ધ ગાયક પેપ્સી શર્માજીના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. રાષ્ટ્રીય લોકદળ પરિવાર તરફથી તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ.”
કોમિક ટાઇમિંગ અને અનોખો ડાન્સ સ્ટાઇલ હતી ઓળખ પેપ્સી શર્મા ખાસ કરીને હરિયાણાની ગૌશાળાઓમાં યોજાતી રાગિણી સ્પર્ધાઓનો મોટો ચહેરો હતા. તેઓ માત્ર સારા ગાયક જ નહીં, પરંતુ ઉત્તમ હાસ્ય કલાકાર પણ હતા. લાઈવ પરફોર્મન્સ દરમિયાન દર્શકોને જકડી રાખવાની તેમની કળા અદ્ભુત હતી. તેમનો ડાન્સ સ્ટાઇલ પણ એટલો બેજોડ હતો કે તેમણે સ્ટેજ પર મશહૂર કલાકાર સપના ચૌધરીને પણ જોરદાર ટક્કર આપી હતી. તેઓ બોલિવૂડ સિંગર બાદશાહ, વિશાલ અને કરણ જોહર જેવા દિગ્ગજો સામે પણ પરફોર્મ કરીને વાહવાહી લૂંટી ચૂક્યા હતા.
સોશિયલ મીડિયા પર ૬ કરોડથી વધુ વ્યુઝ ધરાવતો નાગિન ડાન્સ સપના ચૌધરી અને પેપ્સી શર્માનો એક ‘નાગિન ડાન્સ’ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો, જેને એક મ્યુઝિક કંપની દ્વારા રિલીઝ કરાયા બાદ અત્યાર સુધીમાં ૬ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઓપન સ્ટેજ પ્રોગ્રામમાં તેમના પરફોર્મન્સે ધૂમ મચાવી હતી.
પરિવારે ગુમાવ્યો આધાર સ્તંભ પેપ્સી શર્માના અકાળે અવસાનથી હરિયાણવી મનોરંજન જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. તેમના પરિવારમાં ૧૦ વર્ષની પુત્રી અને ૭ વર્ષનો પુત્ર છે. પિતાની છત્રછાયા ગુમાવતા માસૂમ બાળકો અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.
- Advertisement -
- Advertisement -