દાંતાની 50 વર્ષીય મહિલાને કરોડરજ્જુના ચેપ અને ટીબી સામે જીત, બનાસ જનરલ સિવિલ પાલનપુરમાં સફળ સર્જરી બાદ મહિલાને મળી રાહત


દાંતા તાલુકાની 50 વર્ષીય મહિલા છેલ્લા ઘણા સમયથી કરોડરજ્જુના ગંભીર દુખાવાથી પીડાઈ રહ્યા હતા. પીઠના ભાગે અસહ્ય દુખાવો તેમજ બંને પગમાં ભારે પીડાના કારણે તેમને હલનચલન કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. સતત વધતા દુખાવાના કારણે રોજિંદા કામકાજ પણ મુશ્કેલ બની ગયા હતા.
મહિલાએ અગાઉ ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી, પરંતુ સર્જરી બાદ પણ કોઈ ખાસ રાહત ન મળતાં પરિવાર ચિંતાતુર બન્યો હતો. હજારો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં ગત મહિને તેઓ પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા.
હોસ્પિટલ ખાતે તપાસ દરમિયાન નિષ્ણાત ડોક્ટરોએ અગાઉના રિપોર્ટ્સનું મૂલ્યાંકન કરી એક્સ-રે, એમઆરઆઇ સહિતની જરૂરી તપાસો હાથ ધરી હતી. તપાસમાં મહિલાને ‘સ્પોન્ડિલોડિસાઇટિસ’ એટલે કે કરોડરજ્જુના મણકામાં ગંભીર ચેપ હોવાનું નિદાન થયું હતું.
કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને હોસ્પિટલની ટીમે પરિવારની સહમતિ બાદ તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે આશરે એક કલાક સુધી ચાલેલી જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીની બાયોપ્સી અને જિનએક્સપર્ટ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો કે મહિલાને ટીબીનો ચેપ હતો, જે અગાઉ ખાનગી હોસ્પિટલમાં કરાયેલી સર્જરી દરમિયાન નિદાનમાં આવ્યો નહોતો. ત્યારબાદ ડોક્ટરોએ દર્દીને યોગ્ય એન્ટી-ટીબી સારવાર શરૂ કરી હતી. સતત મેડિકલ દેખરેખ અને યોગ્ય સારવારના કારણે હાલ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તેઓ હવે પીડામુક્ત જીવન જીવી રહ્યા છે.
આ સફળ સારવારમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સ્પાઇન સર્જન ડૉ. નવેન્દુ અને ડૉ. ધવલ પ્રજાપતિએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. ઉપરાંત એનેસ્થેસિયા વિભાગના ડૉ. સંદીપ, ડૉ. શ્રેયા અને ડૉ. કૌશલ્યા સહિતની ટીમે પણ સફળ સર્જરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
દર્દીએ હોસ્પિટલની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અહીંના ડોક્ટરોએ મને સાચી દિશામાં સારવાર આપી. આજે હું ફરી હરતી-ફરતી થઈ શકી છું, તેના માટે હું સમગ્ર ટીમની હૃદયપૂર્વક આભારી છું.”
- Advertisement -
- Advertisement -