35 C
Ahmedabad
Monday, June 1, 2026

મોંઘવારીનો ડબલ ઝટકો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવ ભડકે બળ્યા, જનતા પર આર્થિક બોજ


દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર વધુ એક મોટો આર્થિક પ્રહાર થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો પહેલેથી જ આસમાને પહોંચી ચૂકી છે. ત્યારે હવે સીએનજી વપરાશકર્તાઓને પણ મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં CNG ના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂપિયાનો સીધો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે સીએનજીની કિંમત 86.02 રૂપિયા પ્રતિ કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. આ અચાનક થયેલા ભાવવધારાના કારણે રિક્ષાચાલકો, ટેક્સી ચાલકો અને કોમર્શિયલ વાહન માલિકો સહિત સામાન્ય વાહનચાલકોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

વાહનચાલકો પર ચાલુ વર્ષે સીએનજીનો આ કોઈ પહેલો માર નથી. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં સીએનજીની કિંમતમાં કુલ 6.06 રૂપિયાનો અસહ્ય વધારો થઈ ચૂક્યો છે. આ અગાઉ છેલ્લો ભાવવધારો ગત 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો. માત્ર દોઢ મહિના જેટલા ટૂંકા ગાળામાં જ ફરી એકવાર ગ્રાહકો પર આ નવો ભાવવધારો લાદી દેવામાં આવતા સામાન્ય જનતા અને વાહનચાલકોમાં સરકાર સામે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મોંઘા પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે અને પ્રદૂષણ મુક્ત પરિવહનના આશયથી જે મધ્યમ વર્ગીય લોકોએ લોન લઈને સીએનજી વાહનો ખરીદ્યા હતા. તેઓ હવે સરકારના આ સતત ભાવવધારાના નિર્ણયથી અત્યંત લાચારી અનુભવી રહ્યા છે.

આ આર્થિક ફટકાની વ્યાપક અસરો આગામી દિવસોમાં બજાર પર સ્પષ્ટ જોવા મળશે. આર્થિક નિષ્ણાતોના મતે, સીએનજીના ભાવ 86 રૂપિયાને પાર થઈ જતાં ટ્રાન્સપોર્ટેશન અને માલસામાનની હેરફેરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે. શાકભાજીથી લઈને દૂધ, અનાજ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનું નૂર (ભાડું) વધશે. જેની સીધી અને આડકતરી અસર સામાન્ય માણસની થાળી પર પડવાની છે. આ સ્થિતિને જોતા ટૂંક સમયમાં જ રોજિંદા વપરાશની તમામ ચીજવસ્તુઓ વધુ મોંઘી થાય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જીવવું વધુ દોહ્યલું બનશે.

એકતરફ પેટ્રોલ-ડીઝલના આસમાને આંબતા ભાવ અને બીજી તરફ સીએનજીમાં સતત થઈ રહેલો આ વધારો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યો છે. ઇંધણના આ કમરતોડ ભાવવધારા સામે જનતામાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે. ત્યારે હવે સરકાર ટેક્સમાં કોઈ રાહત આપીને લોકોને આ મોંઘવારીના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢે છે કે પછી જનતાએ આમ જ પીસાતા રહેવું પડશે તે આગામી સમય જ બતાવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -