કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026: 28 વર્ષની પંજાબી એક્ટ્રેસ રૂપી ગિલે રેડ કાર્પેટ પર દેશી અંદાજમાં વેર્યો પોતાનો જાદુ!

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ ગણાતા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026’ના રેડ કાર્પેટ પર પંજાબી અભિનેત્રી રૂપી ગિલે અત્યંત શાહી અને પરંપરાગત અંદાજમાં એન્ટ્રી કરીને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. ફ્રાન્સના કાન્સ શહેરમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય મંચ પર રૂપી ગિલે માત્ર પોતાની સુંદરતાનો જાદુ જ નથી પાથર્યો, પરંતુ પંજાબી સિનેમા (પોલીવુડ)નું ભવ્ય પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ વૈશ્વિક પ્લેટફોર્મ પર તેમણે પોતાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચઢદી કલા’નું ગર્વભેર પ્રમોશન કર્યું હતું. જે આગામી 29 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
પરંપરાગત આઈવરી શરારા લુકથી જીત્યા વૈશ્વિક દર્શકોના દિલ
મોટાભાગના કલાકારો જ્યારે કાન્સના રેડ કાર્પેટ પર મોર્ડન અને પાશ્ચાત્ય વેસ્ટર્ન ગાઉન પસંદ કરે છે..ત્યારે રૂપી ગિલે પોતાની સંસ્કૃતિને પ્રાધાન્ય આપીને શુદ્ધ દેશી લુક અપનાવ્યો હતો. તેઓ આછા ક્રીમ રંગ એટલે કે આઈવરી શેડના ખૂબ જ આકર્ષક પરંપરાગત શરારા સેટમાં સજ્જ જોવા મળ્યા હતા. આ આઉટફિટમાં કલાત્મક ટૂંકું કુર્તું અને ઘેરદાર શરારા પેન્ટ સામેલ હતું. આ આખા ડ્રેસ પર બારીકાઈથી કરવામાં આવેલી સોનેરી રંગની શાહી કઢાઈ (એમ્બ્રોઇડરી) અને પ્રિન્ટિંગ તેને વધુ ભવ્ય લુક આપી રહ્યા હતા.
ફુલકારી દુપટ્ટો અને હેવી જ્વેલરી બન્યા આકર્ષણનું કેન્દ્ર
રૂપી ગિલના આ રોયલ લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું તત્વ તેમનો ફુલકારી શૈલીનો આઈવરી દુપટ્ટો હતો. આ દુપટ્ટાની કિનારીઓ પર ભારે સોનેરી કઢાઈનું વર્ક કરવામાં આવ્યું હતું, જેને તેમણે પરંપરાગત પંજાબી સંસ્કૃતિ મુજબ અત્યંત સાલસતાથી માથા પર ઓઢ્યો હતો.
પોતાના આ દેશી લુકને વધુ નીખારવા માટે તેમણે ક્લાસિક ભારતીય જ્વેલરીની પસંદગી કરી હતી, જેમાં સામેલ છે:
-
પન્ના (એમરલ્ડ)ના લટકણ અને કિંમતી મોતીઓથી જડિત પોલ્કી-કુંદનનો શાનદાર હાર.
-
ગળાના હારને મેચિંગ કરતા ભારે ઝુમકા (કાનની બુટ્ટી).
-
હાથમાં ક્લાસિક સોનાની સુંદર બંગડીઓ.
ગ્લોઈંગ મેકઅપ અને આ અદભુત પહેરવેશ સાથેની પોતાની તસવીરો રૂપીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ તસવીરો શેર કરતા તેમણે કેપ્શનમાં ગર્વથી લખ્યું કે, “કાન્સના કાર્પેટ પર પંજાબની માટી.”
પંજાબી સિનેમા માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ
આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રમોટ થયેલી ફિલ્મ ‘ચઢદી કલા’નું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર અમરજીત સિંહ સરોન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પંજાબી સુપરસ્ટાર એમી વિર્ક, હિમ્મત સંધુ અને રૂપી ગિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાન્સ જેવા પ્રતિષ્ઠિત મંચ પર પ્રાદેશિક પંજાબી ફિલ્મનું આ સ્તરે પહોંચવું અને પ્રમોશન થવું એ સમગ્ર પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક અને ગર્વ લેવા જેવી બાબત માનવામાં આવી રહી છે.
મ્યુઝિક આલ્બમથી કાન્સના રેડ કાર્પેટ સુધી: રૂપી ગિલની સફર
-
સાચું નામ અને ઓળખ: રૂપી ગિલનું મૂળ નામ રૂપિન્દર કૌર ગિલ છે. 28 વર્ષની આ અભિનેત્રીએ પોતાની મહેનતથી સિનેમા જગતમાં મોટું સ્થાન મેળવ્યું છે.
-
કરિયરની શરૂઆત: તેમણે પોતાની સફરની શરૂઆત પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સુપરહિટ વીડિયો આલ્બમ્સથી કરી હતી. જ્યાં તેમના અભિનય અને એક્સપ્રેશન્સને ભારે લોકપ્રિયતા મળી હતી.
-
મોટા પડદા પર ડેબ્યુ: વર્ષ 2018માં આવેલી સુપરહિટ પંજાબી ફિલ્મ ‘અશ્કે’થી તેમણે એક્ટિંગ ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેમના ‘નૂર’ નામના પાત્રને પ્રેક્ષકો અને સિનેમા સમીક્ષકો (ક્રિટિક્સ) બંનેએ ખૂબ જ બિરદાવ્યું હતું.
-
સફળ ફિલ્મોની સફર: ‘અશ્કે’ની સફળતા બાદ રૂપી ગિલે પંજાબી સિનેમાને એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે, જેમાં ‘માં દા લાડલા’, ‘પરિંદા પાર ગયા’, ‘જટ્ટ નૂ ચુડૈલ ટકરી’, ‘બીબી રજની’ અને ‘મઝાઇલ’ જેવી ફિલ્મો મુખ્ય છે. આજે તેઓ પંજાબી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક ગણાય છે.
- Advertisement -
- Advertisement -