સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ: દેશની તમામ ટેક્સી અને જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ અને પેનિક બટન ફરજિયાત
દેશમાં મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યો છે કે, ટેક્સીઓ સહિતના તમામ જાહેર પરિવહન વાહનોમાં ‘વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ’ (VLTD) અને ‘પેનિક બટન’ લગાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, હાલમાં દેશના 1 ટકા કરતાં પણ ઓછા જાહેર વાહનોમાં લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી અને ચિંતાજનક બાબત છે.
આ આદેશ અંતર્ગત અદાલતે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 ના નિયમ 125H ને તાત્કાલિક અસરથી લાગુ કરવા તાકીદ કરી છે. આ નિયમ નવા અને જૂના તમામ જાહેર સેવા વાહનોને એકસરખો લાગુ પડશે. કોર્ટે સ્પષ્ટ ચિમકી આપી છે કે, જ્યાં સુધી વાહનમાં ટ્રેકિંગ ડિવાઇસ અને ઇમરજન્સી પેનિક બટન ફિટ કરવામાં નહીં આવે અને તેની વિગતો કેન્દ્ર સરકારની ‘વાહન એપ’ પર અપડેટ નહીં થાય, ત્યાં સુધી તે વાહનને ફિટનેસ સર્ટિફિકેટ કે પરિવહન પરમિટ (Permit) આપવામાં આવશે નહીં. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું છે કે, ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓએ વાહનના ઉત્પાદન તબક્કે જ, એટલે કે ફેક્ટરીમાંથી વેચાણ થાય તે પહેલાં જ આ બંને સુરક્ષા ઉપકરણો ઇન્સ્ટોલ કરી દેવા જોઈએ. આ માટે કેન્દ્ર સરકારને વાહન ઉત્પાદકો સાથે તાકીદે બેઠક યોજીને અહેવાલ રજૂ કરવા નિર્દેશ અપાયો છે.
સુરક્ષાની સાથે-સાથે કોર્ટે દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અને ટ્રાફિક વ્યવસ્થા પર પણ ગંભીર ટિપ્પણી કરી છે. અદાલતે દુઃખ સાથે નોંધ્યું કે ભારતમાં હજુ સુધી ‘લેન ડ્રાઇવિંગ’નો ખ્યાલ અસરકારક રીતે અમલમાં નથી આવ્યો, જે મોટાભાગના અકસ્માતોનું મુખ્ય કારણ બને છે. આ ઉપરાંત, વાહનોમાં સ્પીડ ગવર્નર્સ (ગતિ નિયંત્રક) લગાવવા અંગેનો અહેવાલ રજૂ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે અનેક રાજ્યોની કડક આલોચના કરી છે. વારંવાર સમયમર્યાદા આપવા છતાં હજુ સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ’ની સ્થાપના યોગ્ય રીતે ન થઈ શકી હોવા બદલ પણ કોર્ટે તંત્રની ગંભીર બેદરકારી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
- Advertisement -
- Advertisement -