સુરત: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહ હવે ચૂંટણી મેદાનમાં, AAP એ વોર્ડ નં. 29 થી આપી ટિકિટ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હવે માત્ર મનોરંજન પૂરતા સીમિત રહ્યા નથી. પરંતુ રાજકારણનો પણ એક મહત્વનો હિસ્સો બની રહ્યા છે.અગાઉ રાજકીય પક્ષો તેમનો ઉપયોગ માત્ર પ્રચાર માટે કરતા હતા.પરંતુ હવે ઇન્ફ્લુએન્સર પોતે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.જ્યાં જાણીતી ઇન્ફ્લુએન્સર સોના સિંહ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ છે.તેણે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 29 થી પોતાનું નામાંકન દાખલ કર્યું છે.
ચૂંટણી જંગમાં સોના સિંહ આકર્ષણનું કેન્દ્ર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલે યોજાવાની છે.જેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ઉમેદવારોના સિલેક્શન બાદ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષોના ઉમેદવારો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા..આ દરમિયાન આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર 29 ની ઉમેદવાર સોના સિંહ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
“મને સામાન્ય જનતાની તકલીફોની ખબર છે”
પોતાના વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં આગવી ઓળખ ઉભી કરનાર સોના સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને એવો ચહેરો જોઈતો હતો જે સામાન્ય લોકોની વાત રજૂ કરી શકે અને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. તેણે વધુમાં ઉમેર્યું કે, “હું પોતે એક મધ્યમ પરિવારમાંથી આવું છું. તેથી સામાન્ય જનતાને કેવી તકલીફો વેઠવી પડે છે તેનો મને પૂરો ખ્યાલ છે. મને વિશ્વાસ છે કે જનતાનો સાથ મને જરૂર મળશે.”
સોશિયલ મીડિયાના લાખો ચાહકો પર ભરોસો
પોતાના કન્ટેન્ટ વિશે વાત કરતા સોનાએ જણાવ્યું કે, હાલમાં તે ફેમિલી અને કોમેડી વીડિયો બનાવે છે.અગાઉ તે ડાન્સ વીડિયો બનાવતી હતી.પરંતુ હવે લોકો તેની કોમેડીને વધુ પસંદ કરી રહ્યા છે. સોનાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, “અત્યારે ભલે મારા ફોલોઅર્સ મર્યાદિત હોય, પરંતુ વીડિયો અપલોડ કરતાની સાથે જ મિલિયન વ્યૂઝ આવે છે. મને પૂરો ભરોસો છે કે, મારા ચાહકો મને નિરાશ નહીં કરે અને મારી જીત પાકી છે.અમે જ્ઞાતિ-જાતિના ભેદભાવમાં માનતા નથી અને લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે રાજકારણમાં આવ્યા છીએ.”
- Advertisement -
- Advertisement -