‘આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવશે…’, ઈરાન પર ભીષણ બોમ્બમારા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની મહાવિનાશક ચેતવણી

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે નિર્ણાયક અને ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર એક ખૌફનાક પોસ્ટ શેર કરતા ઈરાનને સીધી ધમકી આપી છે. ટ્રમ્પે લખ્યું છે કે, “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ કદાચ તે થઈ પણ જાય.”
ખાર્ગ આઈલેન્ડ પર ઈઝરાયેલ-અમેરિકાનો પ્રચંડ હુમલો મંગળવારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાનના સૌથી મહત્વના ગણાતા ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક વ્યૂહાત્મક સ્થળો પર જોરદાર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં ઈરાનની સેનાના સપ્લાય રૂટ ગણાતા અનેક પુલ અને સંરક્ષણ માળખાઓને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
ટ્રમ્પનું સૂચક નિવેદન: ‘૪૭ વર્ષના અત્યાચારનો અંત આવશે’ પોતાની પોસ્ટમાં ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, “હવે જ્યારે આપણી પાસે એક સંપૂર્ણ બદલાયેલું શાસન છે, જે વધુ સમજદાર અને ઓછું કટ્ટરપંથી છે, તો કદાચ કંઈક ખૂબ જ શાનદાર બની શકે છે. આ દુનિયાના લાંબા અને મુશ્કેલ ઈતિહાસની સૌથી મહત્વની ક્ષણોમાંની એક છે. ૪૭ વર્ષથી ચાલતી બળજબરીથી વસૂલાત, ભ્રષ્ટાચાર અને મોતનો હવે આખરે અંત આવશે. ઈશ્વર ઈરાનના મહાન લોકો પર કૃપા કરે!”
યુદ્ધ વિરામના સંકેતો? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે આ યુદ્ધ હવે લાંબુ નહીં ચાલે. વેન્સના જણાવ્યા અનુસાર, ઈરાન તરફથી આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં મોટો જવાબ મળી શકે છે અને વાતચીત દ્વારા સમાધાનની આશા પણ જીવંત છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને ઈરાનની શરતો આ ગંભીર સ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાને જણાવ્યું છે કે, ઈરાનના કડક વલણમાં થોડો નરમાશનો સંકેત મળ્યો છે. જોકે, ઈરાને યુદ્ધ રોકવા માટે કેટલીક આકરી શરતો પણ મૂકી છે, જેના પર અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે મંથન ચાલી રહ્યું છે.
- Advertisement -
- Advertisement -