ખેડા જિલ્લાના રાજકારણમાં અત્યારે એક જ નામની ચર્ચા છે – વિપુલ પટેલ. અમૂલના ડિરેક્ટર અને ભાજપના દિગ્ગજ નેતા વિપુલ પટેલે એક જાહેર મંચ પરથી ‘રાજકારણમાં કમાણી’ અંગે કરેલી કબૂલાતે સોશિયલ મીડિયામાં આગ લગાડી દીધી છે. જોકે, વિવાદ વકરતા હવે તેમણે ‘ડેમેજ કંટ્રોલ’ કરવા માટે સ્પષ્ટતાનો સહારો લીધો છે.
શું હતું એ ‘બોમ્બ’ જેવું નિવેદન?
નડિયાદમાં ‘એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશન’ના રજત જયંતી મહોત્સવમાં વિપુલ પટેલે માઈક પકડીને સનસનાટી મચાવી દીધી હતી.તેમણે કહ્યું હતું કે:
“મેં સારામાં સારો ધંધો કર્યો, મોભો મેળવ્યો અને ઘણા રૂપિયા બનાવ્યા. કોઈ નેતા નહીં કહે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા છે.”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે ભાજપના જ નેતાની આ ‘નિખાલસ કબૂલાત’ વિપક્ષો માટે તૈયાર ભાણું પીરસવા જેવી સાબિત થઈ છે.
વિવાદ વધતા વિપુલ પટેલનો યુ-ટર્ન: “મશ્કરી કરનારાને વળતો જવાબ આપ્યો”
ચોમેરથી ઘેરાયા બાદ અને પક્ષમાં પણ ગણગણાટ શરૂ થતા વિપુલ પટેલે મીડિયા સમક્ષ બચાવ કરતા જણાવ્યું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. તેમની સ્પષ્ટતાના મુખ્ય મુદ્દા:
-
ધંધાની કમાણી: તેમણે સ્પષ્ટ કર્યું કે સંપત્તિ તો ધંધા (Business) થી જ બનાવી છે. પણ રાજકારણમાં હોવાને કારણે વ્યવસાયિક ક્ષેત્રે પરોક્ષ ફાયદા મળ્યા હોઈ શકે છે.
-
આવેશમાં લીધેલું નામ: કાર્યક્રમમાં હાજર કેટલાક લોકો તેમની મશ્કરી કરી રહ્યા હોવાનું લાગતા, તેમને ‘જડબાતોડ’ જવાબ આપવા આવેશમાં આવીને આવું બોલાઈ ગયું હોવાનો દાવો કર્યો.
-
અન્ય નેતાઓ પર પ્રહાર: પોતાની સ્પષ્ટતામાં પણ તેમણે બાણ છોડવાનું ન ટાળ્યું. તેમણે સવાલ કર્યો કે, “આજે અનેક નેતાઓ પાસે 8-8 ગાડીઓના કાફલા છે, આટલા પૈસા ક્યાંથી આવે છે? ઘણાએ રાજકારણમાં આવ્યા પછી જ અઢળક સંપત્તિ બનાવી છે.”


