જાણીતા લોકસાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
ગુજરાતના લોક સાહિત્યકાર,કથાકાર,ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સંસ્થાપક તેમજ સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનુ 85 વર્ષની વયે નિધન થયુ છે.તેમણે લોક સંસ્કૃતિ, લોક કલા અને લોક સાહિત્ય પર આધારિત લગભગ 90 કૃતિઓનુ સંપાદન અને રચના કરી હતી.તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ છે.
જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી 1940ના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો.તેમના પિતા દાનુભાઈ હલુંભાઈ ખેડૂત હતા.જ્યારે માતા પામબા અને સાવકી માતા ગંગાબાએ તેમનો ઉછેર કર્યો હતો.બાળપણથી જ લોકગીતો અને લોકકલાઓ પ્રત્યેનો ઝોક તેમને લોકસાહિત્યની દુનિયામાં લઈ ગયો.તેઓ છ ભાઈ-બહેનોમાં બીજા ક્રમના સંતાન હતા. લોકજીવનના અનુભવો અને ગ્રામ્ય સંસ્કૃતિનો સહજ સ્પર્શ તેમના લેખનમાં સ્પષ્ટ દેખાય છે.
તેમણે લોકકથાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90 થી વધુ કૃતિઓનું સંપાદન અને રચના કરી હતી.. તેમની સૌથી જાણીતી વાર્તાઓમાં “મરદ કસુંબલ રંગ ચઢે” અને “મરદાઈ માથા સાતે” જેવી લોકપ્રિય કૃતિઓનો સમાવેશ થાય છે.તેમને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોરાવરસિંહ જાધવ 1964 થી સરકાર સાપ્તાહિક, ગ્રામસ્વરાજ અને જિનમંગલ માસિક સામયિકોનું સંપાદન કરી રહ્યા હતા. તેમણે કલાને લોકો સમક્ષ રજૂ કરવા માટે સામયિકો તેમજ રેડિયો અને ટેલિવિઝન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન અને હોસ્ટિંગ કર્યું હતુ.વર્ષ 1978 માં તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.. જે એક સંસ્થા છે જે ગુજરાત અને રાજસ્થાનના અશિક્ષિત, શોષિત અને વિચરતી સમુદાયોના લોક કલાકારોને પોતાની જાતને વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે.
- Advertisement -
- Advertisement -