દહેગામ સ્ટેશન રોડ પર જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: કુલ 11,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડની ટીમે બાતમીના આધારે દહેગામ સ્ટેશન રોડ પર આવેલા જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. તા. 21 ના રોજ દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસટી ચોકી નજીક પહોંચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સ્ટેશન રોડ પર આવેલા જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે પૈસા પાના વડે જાહેરમાં હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે.
આ બાતમી મળતાની સાથે જ પોલીસે પી.એસ.આઈ. એમ.એમ. શાહના માર્ગદર્શન હેઠળ ત્વરિત કાર્યવાહી કરી હતી. અને પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પોલીસને અચાનક જોઈને જુગાર રમી રહેલા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કુશળતાપૂર્વક કોર્ડન કરીને તમામ ઇસમોને રંગે હાથે ઝડપી લીધા હતા.
સ્થળ પર પકડાયેલા ઇસમોની પૂછપરછ અને અંગઝડતી કરતા દિનેશભાઈ મેવાજી ઠાકોર (ઉં.વ. 42, રહે. હરિઓમ સોસાયટી, દહેગામ) પાસેથી રૂ. 1,180/-, સંદિપભાઈ અશોકભાઈ રાઠોડ (ઉં.વ. 30, રહે. હરિઓમ સોસાયટી, દહેગામ) પાસેથી રૂ. 5,100/- અને રિયાઝ સમીરભાઈ લુહાર (ઉં.ਵ. 23, રહે. નવદુર્ગા ચાલી, સ્ટેશન રોડ, દહેગામ) પાસેથી રૂ. 1,630/- મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીની કુલ રોકડ રૂ. 8,910/-, દાવ ઉપરથી મળી આવેલ રોકડ રૂ. 2,850/- તેમજ ગંજીપાના નંગ 52 મળી કુલ રૂ. 11,760/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરી અ.હેડ.કોન્સ. વિજયસિંહ તીતસિંહ (બ.નં. 1185, સર્વેલન્સ સ્કવોડ, દહેગામ પોલીસ સ્ટેશન) તથા તેમની સાથેના અ.હેડ.કોન્સ. ભદ્રેશકુમાર જયંતિભાઈ, આ.હેડ.કોન્સ. કિરણસિંહ વિક્રમસિંહ (બ.નં. 157), આ.પો.કો. અજયસિંહ પ્રધ્યુમનસિંહ (બ.નં. 1114), આ.પો.કોન્સ. ચિરાગકુમાર રમેશભાઈ (બ.નં. 140), અ.પો.કોન્સ. વિક્રમભાઈ કમશીભાઈ (બ.નં. 375) અને અ.લો.ર. મહેશજી ગલાબજી (બ.નં. 2832) ની ટીમ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -