વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી
છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ અને નવસારી સહિતના આદિજાતિ વિસ્તારોમાં ૯ મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત
‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ના માધ્યમથી રાજ્યમાં અત્યાર સુધીમાં 66 હજારથી વધુ આદિજાતિ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવામાં આવી છે, જેમાંથી અંદાજે 51 હજારથી વધુ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે. અનુસૂચિત જનજાતિના 18થી 35વર્ષના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના ભગીરથ હેતુથી વર્ષ 2008થી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

રાજ્યના છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં 9 જેટલા પ્રમુખ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો સક્રિય રીતે કાર્યરત છે. જેમાં છોટાઉદેપુર અને વડોદરા પ્રાયોજના વિસ્તારમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ (પાલડી-વાઘોડિયા), ઓલ ગુજરાત ડ્રાઇવિંગ ઇન્સ્ટિટ્યૂટ (વાઘોડિયા) અને મુનિ સેવા આશ્રમ (ગોરજ) ખાતે તાલીમ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વાઘલધરા વિભાગ કેળવણી મંડળ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને પ્રમુખ સ્વામી વોકેશનલ તાલીમ કેન્દ્ર (ધરમપુર) કાર્યરત છે. જ્યારે દાહોદમાં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, ભરૂચમાં સેવા રૂરલ ટ્રસ્ટ અને નવસારીમાં ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ‘સિપેટ’ (CIPET) દ્વારા પ્લાસ્ટિક ઈજનેરીમાં તાલીમ આપવામાં આવે છે.
બજારની વર્તમાન માંગ મુજબ આ તમામ તાલીમ કેન્દ્રોમાં 79 જેટલા જુદા-જુદા રોજગારલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જેમાં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ પણ અપાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઓછામાં ઓછા 75 ટકા તાલીમાર્થીઓને રોજગારી અપાવવાની જવાબદારી જે-તે કેન્દ્ર દ્વારા નિભાવવામાં આવે છે.
iACE બન્યું આદિજાતિ યુવાનો માટે કૌશલ્ય વિકાસનું શ્રેષ્ઠ કેન્દ્ર
રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ગાંધીનગરના ‘નોલેજ કોરિડોર’ ખાતે 17 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલ ‘ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ’ (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ના ૫૦-૫૦ ટકા ઇક્વિટી હિસ્સા સાથેના આ સંયુક્ત સાહસમાં એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ITI સ્નાતક યુવાનોને ઉદ્યોગોની માંગ મુજબ 80 ટકા પ્રેક્ટિકલ અને 20 ટકા થિયરી આધારિત વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. 30 થી 35 નિષ્ણાત ટ્રેનર્સ ધરાવતા આ કેન્દ્રમાં હાલ 200 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
iACE ખાતે હાઈ એન્ડ સ્કિલ ટ્રેનિંગ યોજના હેઠળ વર્ષ 2021માં પ્રથમ બેચની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 4 હજારથી વધુ યુવાનો અહીં તાલીમબદ્ધ થયા છે, જેમાં વર્ષ 2024થી 800 જેટલા આદિજાતિ યુવાનોએ તાલીમ મેળવી છે. અહીં 3 મહિનાની વિશેષ તાલીમ ઉપરાંત 1 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, 6 મહિનાના એડવાન્સ અને સ્કિલ એન્હાન્સમેન્ટ સર્ટિફિકેટ કોર્સ, 3વર્ષનો બી.એસ.સી. ટ્રાન્સપોર્ટેશન એન્ડ મોબિલિટી કોર્સ તેમજ વર્ષ 2021માં સ્થપાયેલ ‘પ્રેરણા’ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા માટે પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ સંસ્થા ખાતે ઓટોમોટિવ ફંડામેન્ટલ્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ડ્રાઇવ સિસ્ટમ્સ, પાવરટ્રેન, વેલ્ડિંગ, મશીનિંગ, પ્લાસ્ટિક્સ અને પેઇન્ટ ટેક્નોલોજી, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી તેમજ મેનેજરિયલ અને સોફ્ટ સ્કિલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં અત્યાધુનિક લેબોરેટરી દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનોને મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, MG મોટર્સ, હ્યુન્ડાઈ, ક્રિષ્ના મારુતિ અને મધરસન સુમી જેવી દેશ-વિદેશની નામાંકિત ઓટોમોબાઈલ કંપનીઓમાં પ્લેસમેન્ટ મળે છે. આ રોજગારી અંતર્ગત બી.ટેક. સ્નાતક યુવાનોને વાર્ષિક રૂ. 4 થી 5 લાખ અને ITI પાસ યુવાનોને વાર્ષિક રૂ. 2.5લાખ સુધીના આકર્ષક પેકેજ પ્રાપ્ત થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલના સક્રિય નેતૃત્વ હેઠળ રાજ્યના અનુસૂચિત જનજાતિના યુવાનોને કૌશલ્યબદ્ધ બનાવી આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભગીરથ કામગીરી થઈ રહી છે, જેના પરિણામે રાજ્યના છેવાડાના આદિજાતિ યુવાનો આજે ઉચ્ચ કૌશલ્ય અને આકર્ષક પગાર સાથે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@2047ના વિઝનમાં સક્રિય ભાગીદાર બની રહ્યા છે.
*પ્રતિભાવ*


