યુએનમાં મૃત્યુદંડ પર રોક મૂકવાનો પ્રસ્તાવ પસાર, ભારતે કર્યો વિરોધ; 133 દેશોએ આપ્યો ટેકો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં વિશ્વભરમાં મૃત્યુદંડ પર રોક લગાવવાના હેતુથી રજૂ કરાયેલો પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો છે. શુક્રવારે (13 નવેમ્બર) યોજાયેલા મતદાનમાં 133 દેશોએ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે ભારત સહિત 33 દેશોએ તેનો વિરોધ કર્યો હતો. બીજી તરફ 16 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. વિરોધ છતાં પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો હતો.
મળતી માહિતી મુજબ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 193 સભ્ય દેશોએ મેક્સિકો દ્વારા રજૂ કરાયેલા મૃત્યુદંડ પર રોક સંબંધિત પ્રસ્તાવ પર મતદાન કર્યું હતું. આ પ્રસ્તાવમાં તમામ દેશોને ફાંસીની સજા પર રોક લગાવવા અને તબક્કાવાર મૃત્યુદંડની પ્રથા નાબૂદ કરવાની દિશામાં પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી.
ભારત ઉપરાંત બહેરીન, ચીન, ઇજિપ્ત, ઈરાન, ઈરાક, જાપાન, કુવૈત, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા અને અમેરિકા સહિતના દેશોએ પણ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
મૃત્યુદંડ નાબૂદ કરવા અંગે વૈશ્વિક સહમતી નથી : ભારત
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે વિશ્વના દેશો વચ્ચે મૃત્યુદંડ નાબૂદ કરવા અંગે કોઈ સર્વસંમતિ નથી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આપવામાં આવતી ફાંસીની સજાને ‘સરકાર દ્વારા કરવામાં આવેલી હત્યા’ ગણાવવી યોગ્ય નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનનાં પ્રથમ સચિવ ભાવિકા મંગલાનંદને જણાવ્યું હતું કે દરેક દેશને પોતાના કાયદા અને સજાની જોગવાઈઓ નક્કી કરવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય કાયદો ચોક્કસ શરતોને આધીન મૃત્યુદંડની મંજૂરી આપે છે. ભારતમાં પણ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ આ સજા આપવામાં આવે છે. કેટલાક લોકો પોતાની અંગત માન્યતાઓને આંતરરાષ્ટ્રીય કાયદા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતે વર્ષ 2016, 2018 અને 2024માં પણ આ પ્રકારના પ્રસ્તાવોનો વિરોધ કર્યો હતો.
ભારતમાં માત્ર ‘રેરેસ્ટ ઓફ રેર’ કેસમાં જ મૃત્યુદંડ
ભારતમાં મૃત્યુદંડ કાયદાનો એક ભાગ છે, પરંતુ દરેક ગુનામાં આ સજા આપવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર, માત્ર અત્યંત ગંભીર એટલે કે ‘રેરેસ્ટ ઓફ રેર’ (સૌથી દુર્લભમાં દુર્લભ) કિસ્સાઓમાં જ મૃત્યુદંડ આપી શકાય છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સ્પષ્ટ કર્યું હતું કે ફાંસીની સજા આપતાં પહેલાં અનેક કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે. જ્યાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિને નિર્દોષ માનવામાં આવે છે. નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડ ફટકારવામાં આવે તો ઉચ્ચ અદાલત દ્વારા તેની પુષ્ટિ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત સજા ઘટાડવા માટેના સંજોગો અને કારણો પર પણ અદાલત વિચારણા કરે છે.
બાળકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને મૃત્યુદંડમાંથી મુક્તિની અપીલ
સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં 18 વર્ષથી ઓછી ઉંમરે ગુનો કરનાર વ્યક્તિને મૃત્યુદંડ ન આપવાની અપીલ કરવામાં આવી છે. ગુનો થયો ત્યારે વ્યક્તિની ઉંમર નક્કી ન થઈ શકે તો પણ તેને ફાંસીની સજા ન આપવાની વાત કરવામાં આવી છે.
આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, માનસિક અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા લોકો અને વૃદ્ધોને પણ મૃત્યુદંડમાંથી મુક્તિ આપવાની અપીલ કરવામાં આવી છે. જે ગુનાઓમાં મૃત્યુદંડ આપી શકાય છે તેની સંખ્યા ઘટાડવા તેમજ ચોક્કસ ગુનાઓમાં ફરજિયાત મૃત્યુદંડની જોગવાઈઓ દૂર કરવા પણ દેશોને અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રસ્તાવમાં વધુમાં જણાવાયું છે કે વિશ્વભરમાં મૃત્યુદંડનો ઉપયોગ મર્યાદિત કરવાની દિશામાં વલણ વધી રહ્યું હોવા છતાં વર્ષ 2025માં નોંધાયેલા ફાંસીના બનાવોમાં વધારો થયો છે. આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરીને તમામ દેશોને તબક્કાવાર મૃત્યુદંડનો ઉપયોગ મર્યાદિત કરવાની અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -