નવા વર્ષની ખુશીઓ વચ્ચે મોતનો માતમ! દહેગામમાં ઓડી કારની પલટી, પાલુન્દ્રાના યુવકનું કરુણ મોત
ગાંધીનગર જિલ્લાના દહેગામ-કપડવંજ હાઇવે પર મોડી રાત્રે ઓડી કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વિપુલ ફાર્મ નજીક પૂરઝડપે જતી ઓડી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી અને અનેક પલટી ખાઈ ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ યુવકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અરવિંદસિંહ સરદારસિંહ ચૌહાણ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
જ્યારે અન્ય ચાર યુવકોને ઇજાઓ પહોંચી હતી. જેમાંથી ત્રણ યુવકોને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક ફરિયાદ મુજબ, પાંચેય મિત્રો પાલુન્દ્રા ગામથી ઓડી કાર લઈને દહેગામમાં નાસ્તો કરવા આવ્યા હતા. પરત ફરતી વખતે વિપુલ ફાર્મ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કાર હરેશસિંહ માનસિંહ ચૌહાણ ચલાવી રહ્યો હતો.
સમગ્ર મામલે દહેગામ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષની શરૂઆતમાં જ સર્જાયેલા આ અકસ્માતમાં એક યુવકનું મોત થતાં પાલુન્દ્રા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
- Advertisement -
- Advertisement -