દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભ શરૂઆત ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. નવા વર્ષના પાવન અવસરે રાઠોડ પરિવારના ‘એક જ ડાળના પંખી’ ભાવ સાથે ખોડિયાર ગ્રુપ રખિયાલ અને રાઠોડ પરિવારના નાગણેશ્વરી ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજી તથા નાગણેશ્વરી માતાજીની ભવ્ય સમૂહ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 211 દીવડાની ઝળહળતી રોશની વચ્ચે માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. દીવડાઓના પ્રકાશ અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર માહોલ આસ્થાના રંગે રંગાયો હતો. આરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.









