33.4 C
Ahmedabad
Tuesday, October 27, 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભીલડી ખાતેથી બનાસ ડેરીના રૂ.325 કરોડના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે


ભીલડી BBBRC સેન્ટર શ્વેત ક્રાંતિમાં આધુનિક વિજ્ઞાનનો નવો અધ્યાય લખશે અને દેશી ગૌવંશ સંવર્ધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી દિશા ચીંધશે:- ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી

ઓછાં પશુ, વધુ દૂધ સાથે ભીલડીમાં દેશી ગાય-ભેંસોની ઓલાદ સુધારવા બનાસ ડેરીનું નવું કેન્દ્ર સમગ્ર દેશ માટે રોલ મોડલ સાબિત થશે

આધુનિક ટેકનોલોજીથી દર વર્ષે 25 હજાર ઉત્તમ વાછરડાં તૈયાર કરાશે: બનાસકાંઠામાં બન્યું ભારતનું અદ્યતન બ્રીડિંગ સેન્ટર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30મી ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂ.325 કરોડના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકોને અર્પણ કરશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેકનિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ની મદદથી આકાર પામેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવામાં અને ડેરી વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, આ કેન્દ્રમાં પશુઓ માટે ટેસ્ટટ્યૂબ બેબી જેવી આધુનિક પ્રજનન પદ્ધતિઓ (OPU-IVF) અને ગર્ભ પ્રત્યારોપણ જેવી અદ્યતન વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉત્તમ ઓલાદની ગાય આખા વર્ષમાં માત્ર એક જ વાછરડું આપે છે. પરંતુ આ નવી ટેકનોલોજીની મદદથી શ્રેષ્ઠ ગાયમાંથી એક વર્ષમાં ઘણા બધા વાછરડાં મેળવી શકાશે. આ કેન્દ્રમાં દર વર્ષે 25,000 ઉત્તમ ગર્ભ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી આવનારી દરેક નવી પેઢીનાં પશુઓ અગાઉ કરતાં વધુ દૂધ આપવાની તાકાત ધરાવતાં થશે.

તેમણે જણાવ્યું કે, આજે ઘાસચારાની ઘટતી જગ્યા અને પશુઓના વધતા ખર્ચ વચ્ચે આ કેન્દ્રનો મુખ્ય વિચાર ‘ઓછાં પશુ પણ વધુ ગુણવત્તાવાળાં પશુ અને વધુ દૂધ’ મેળવવાનો છે. ભીલડી કેન્દ્ર ખાતે આપણી કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપારકર જેવી શ્રેષ્ઠ દેશી ગાયો તેમજ મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ભેંસોની ઓલાદ સુધારવામાં આવશે. પશુઓની જાત સુધરવાથી દરેક પશુમાંથી રોજેરોજ વધુ દૂધ મળશે, જેથી પશુપાલન માત્ર ગુજરાન ચલાવવાનું સાધન ન રહેતાં વધુ નફો કરાવતો વ્યવસાય બનશે.

આ કેન્દ્રનો સીધો લાભ ગામડાંના નાના પશુપાલકો અને ડેરીના કામમાં 70 ટકા ફાળો આપતી ગ્રામીણ બહેનો સુધી પહોંચશે. ભીલડી ખાતે ઉછરેલા રોગ વગરના અને ઉત્તમ ઓલાદના સાંઢ, ગુણવત્તાવાળું સીમેન અને સસ્તા દરે સારા ગર્ભ પશુપાલકોના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે. તેનાથી પશુપાલકોનો દૂધ ઉત્પાદન ખર્ચ ઘટશે, દૂધમાં ફેટનું પ્રમાણ વધશે અને પરિણામે ગામડાંના પશુપાલક પરિવારોની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

ખેડૂતોની સહકારી સંસ્થા બનાસ ડેરી, નિષ્ણાતોનું માર્ગદર્શન અને સરકારની સહાયનું આ કેન્દ્ર સમગ્ર દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આપણી દેશી ગાયો અને ભેંસો ગરમી સામે ટકી રહેવામાં તેમજ ઓછા ખોરાકમાં પણ સારું દૂધ આપવામાં સક્ષમ છે, જેના કારણે આ કેન્દ્ર દ્વારા ભારતીય પશુઓની ઓળખ વૈશ્વિક સ્તરે પણ મજબૂત બનશે. ભીલડીની ધરતી પરથી શરૂ થનાર આ પહેલ ભારતના ડેરી ક્ષેત્રને વધુ મજબૂત અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું સાબિત થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -