સંજેલી તાલુકામાં નકલી આદિવાસી પ્રમાણપત્રોના કૌભાંડ અંગે આદિવાસી સમાજ દ્વારા રાજ્યમંત્રી રમેશભાઈ કટારાને આવેદનપત્ર પાઠવાયું
સંજેલી તાલુકામાં બોગસ અને નકલી આદિવાસી જાતિ પ્રમાણપત્રો મેળવી લેવાના સામે આવેલા કૌભાંડને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા ૧૨૯-ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને માનનીય રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાને સુખસર સ્થિત તેમના કાર્યાલય ખાતે એક વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં આદિવાસી સમાજે મુખ્યત્વે રજૂઆત કરી હતી કે સંજેલી વિસ્તારમાં બિન-આદિવાસી લોકો દ્વારા ખોટા આધાર-પુરાવા ઊભા કરીને નકલી આદિવાસી પ્રમાણપત્રો મેળવવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ આ કૌભાંડમાં સંકળાયેલા તમામ જવાબદારો અનેષયિતો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આદિવાસી સમાજના અગ્રણીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નકલી પ્રમાણપત્રોના કારણે સાચા આદિવાસીઓના બંધારણીય હકો અને અધિકારોનું હનન થઈ રહ્યું છે. સરકારી યોજનાઓ, શિક્ષણ અને નોકરીઓમાં સાચા આદિવાસી યુવાનો વંચિત રહી જાય છે. આદિવાસી સમાજના હક અને અધિકારોનું પૂર્ણ રક્ષણ થાય અને સાચા આદિવાસી લાભાર્થીઓને ન્યાય મળે તે જ અમારી મુખ્ય માંગણી છે.
રાજ્યમંત્રીશ્રીએ આવેદનપત્ર સ્વીકારીને આ બાબતે યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
અહેવાલ :યાસીર ગુડાલા,દાહોદ
- Advertisement -
- Advertisement -