ફતેપુરાના ગલાલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે ગ્રામજનોનો આક્રોશ: ત્વરિત સ્ટાફ બદલીની માંગ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ગલાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ઠપ થઈ જતાં ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. શાળાના શિક્ષકોની અનિયમિતતા અને બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.
સ્થાનિકો અને વાલીઓના જણાવ્યા અનુસાર, શાળામાં બાળકોનું શિક્ષણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. શાળાના કેટલાક શિક્ષકો સમયસર આવવાની કે નિયમિત હાજરી આપવાની તસ્દી પણ લેતા નથી. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ પણ અનેક વખત શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અગાઉની રજૂઆતો બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતાં આખરે ગ્રામજનોનો ધીરજનો ઘડો ફૂટ્યો હતો. વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)ને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે શાળાના સમગ્ર સ્ટાફની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ક્યારે અને કેવાં આકરાં પગલાં લેવામાં આવે છે તથા ગલાલપુરા શાળાના નિર્દોષ બાળકોને તેમનો શૈક્ષણિક હક ક્યારે મળે છે, તેના પર હાલ સમગ્ર વિસ્તારની નજર મંડાયેલી છે.