ફતેપુરાના વાવડી પૂર્વ પાસે રસ્તા પર મોટો ભૂવો પડતાં સ્થાનિકોમાં અકસ્માતનો ભારે ભય તાત્કાલિક રીપેર કરવા માંગ
ફતેપુરાથી ઘૂઘસને જોડતા મુખ્ય માર્ગ પર વાવડી પૂર્વા ગામ પાસે હનુમાન દાદાના મંદિર નજીક રસ્તા પર એક મોટો ભયાનક ભૂવો પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારોના દિવસો નજીક હોવાથી આ માર્ગ પરથી વાહનોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે, ત્યારે આ ભૂવો કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે.

કેબલ કામગીરી બાદ ભૂવો પડ્યાનો આક્ષેપ
સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, માર્ગ પર કેબલ વાયરિંગ નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતાં અને ચોમાસાના વરસાદને કારણે રસ્તાનો મોટો ભાગ બેસી ગયો છે અને ઊંડો ભૂવો પડી ગયો છે. આ સિવાય પણ આ સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે.
રાત્રિના સમયે અકસ્માતનો ભારે ભય
ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં બહારથી આવતા અજાણ્યા વાહનચાલકો માટે આ ભૂવો દેખાતો નથી, જેના કારણે મોટો જીવલેણ અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. વાવડી પૂર્વા ગામના માજી સરપંચ પારગી શૈલેશભાઈ, સામાજિક કાર્યકર્તા સુભાષ પારગી તેમજ સ્થાનિક રહીશ નિનામા રાકેશભાઈ સહિતના સ્થાનિકોએ આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્રના અધિકારીઓ (RNB ) વિભાગ સાથે ટેલિફોનિક ચર્ચા દરમિયાન તપાસ કરાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તપાસના બદલે તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની જરૂર છે. અકસ્માત થઈ ગયા પછી તપાસનો કોઈ અર્થ રહેશે નહીં તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા સંબંધિત તંત્ર નિદ્રામાંથી જાગીને વહેલી તકે આ રસ્તાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો અને વાહનચાલકોની મજબૂત માંગણી છે.
અહેવાલ : યાસીર ઝુડાલા, દાહોદ
- Advertisement -
- Advertisement -