બે વર્ષથી પેશાબની નળી સાંકડી થવાની તકલીફથી પીડાતા 52 વર્ષીય દર્દીને બનાસ સિવિલમાં મળી રાહત
થરાદ તાલુકાના કરણપુરા ગામના 52 વર્ષીય પટેલ કાળાભાઈ છેલ્લા બે વર્ષથી પેશાબ કરવામાં ભારે તકલીફનો સામનો કરી રહ્યા હતા. પેશાબની નળી સાંકડી થઈ જવાના કારણે તેમને વારંવાર પેશાબ કરવામાં મુશ્કેલી પડતી હતી. અગાઉ તેમણે બીજે પણ સારવાર કરાવી હતી, પરંતુ સમસ્યામાં પૂરતી રાહત મળી ન હતી.
ત્યારબાદ દર્દીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે યુરોલોજિસ્ટની સલાહ લીધી હતી. ત્યાં તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને પેઢુના ભાગમાં નળી (SPC) મૂકીને પેશાબનો માર્ગ ચાલુ કરવામાં આવ્યો હતો. સાથે જ પેશાબની નળીના સાંકડા થયેલા ભાગને સુધારવા માટે આગળની સારવાર તરીકે મોઢાના અંદરના ભાગની ચામડી (Buccal Mucosa) નો ઉપયોગ કરીને સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી.
આ દરમિયાન દર્દીએ પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ ડો. સુનિલભાઈ જોષીનો સંપર્ક કર્યો હતો. તબીબોની ટીમે દર્દીની જરૂરી તપાસ શરૂ કરી હતી. દર્દીની પેશાબની નળીની સ્થિતિ જાણવા માટે Retrograde Urethrogram (RGU) તપાસ કરવામાં આવી હતી. RGUના રિપોર્ટમાં પેશાબની નળીમાં ગંભીર પ્રમાણમાં સાંકડાપણું (Urethral Stricture) હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ દર્દીના અન્ય જરૂરી લોહીના રિપોર્ટ સહિતની તપાસ કરવામાં આવી હતી.
તપાસના રિપોર્ટ અને દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના તબીબોએ દૂરબીન દ્વારા પેશાબની નળીના સાંકડા થયેલા ભાગને ખોલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તબીબી ટીમ દ્વારા જરૂરી પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવતા પેશાબનો કુદરતી માર્ગ ફરીથી ખુલ્યો હતો.
લગભગ એક કલાકની જહેમત બાદ સારવાર સફળ રહી હતી અને દર્દીને પેશાબ કરવામાં રાહત મળી હતી. દર્દીને 21/07/2026ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં 25/07/2026ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી તકલીફમાં રાહત મળતાં દર્દીએ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ સારવાર બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને યુરોલોજિસ્ટ ડો. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ યુરોલોજી વિભાગના ડો. કમલેશ પટેલ, ડો. વર્ષિલ દોશી, તેમજ એનેસ્થેસિયા વિભાગના તબીબો અને સ્ટાફના સંકલિત પ્રયાસોથી કરવામાં આવી હતી.
બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લાના સાડા પાંચ લાખ પશુપાલકોની માલિકીની બનાસ ડેરી સંલગ્ન બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં આધુનિક તબીબી સારવાર ઉપલબ્ધ બની રહી છે. આ સફળ સારવારથી લાંબા સમયથી પેશાબની નળી સાંકડી થવાની સમસ્યાથી પીડાતા દર્દીને રાહત મળતાં પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
- Advertisement -
- Advertisement -