દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ‘ટચ ધ લાઈટ’ ખાનગી શાળામાં સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી હોવાનું કહેવાતી શૈક્ષણિક સાધનસામગ્રી મળી આવ્યાનો મામલો સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ખાનગી શાળાના પરિસરમાં સરકારી શાળાઓ માટે આપવામાં આવતી હોવાનું કહેવાતી શૈક્ષણિક સાધનસામગ્રી મળી આવી હતી. આ સાધનસામગ્રી કઈ સરકારી શાળાને ફાળવવામાં આવી હતી અને તે ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સાધનસામગ્રીનો રેકોર્ડ, ફાળવણીની વિગતો તેમજ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સાથે જ સાધનસામગ્રી ખાનગી શાળામાં કોણ અને કયા સંજોગોમાં લાવ્યું તથા તેનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવતો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે મુખ્ય સવાલો એ છે કે સરકારી શાળાઓ માટેની સાધનસામગ્રી ખાનગી શાળામાં આવી ક્યાંથી? તે કઈ શાળાને ફાળવવામાં આવી હતી? અને જો તે સરકારી સાધનસામગ્રી હોવાનું તપાસમાં સાબિત થાય તો ખાનગી શાળામાં તેનો ઉપયોગ કેવી રીતે થયો?
હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી સાધનસામગ્રી ખરેખર સરકારી શાળાની છે કે નહીં તથા કોઈ નિયમભંગ કે ગેરરીતિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગની તપાસમાં સમગ્ર મામલાની હકીકત બહાર આવે અને જો કોઈ જવાબદાર ઠરે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચા વચ્ચે હવે તપાસના અંતિમ અહેવાલ પર સૌની નજર છે.