પંચમહાલની સરકારી શાળાનો અનોખો પ્રયોગ: ‘મેથ્સ પાર્ક’ દ્વારા વિદ્યાર્થીઓ રમત-રમતમાં શીખી રહ્યા છે ગણિત
પંચમહાલની ‘નવા નદીસર પ્રાથમિક શાળા’એ અભ્યાસની પરંપરાગત શૈલી બદલીને એક અનોખો ‘મેથ્સ પાર્ક’ તૈયાર કર્યો છે. ખુલ્લા વાતાવરણમાં રમત-રમતમાં આકારો, માપન અને ગણતરીઓ શીખીને બાળકો હવે ગણિતનો ડર ભૂલી રહ્યા છે. શિક્ષકોની નિષ્ઠા અને સ્થાનિક કારીગરોના કૌશલ્યથી નિર્માણ પામેલા આ પાર્કે સાબિત કર્યું છે કે, જો યોગ્ય પદ્ધતિ હોય તો સરકારી શાળાનું બાળક પણ ટ્યુશન વગર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.
ગણિત સામાન્ય રીતે અઘરો વિષય માનવામાં આવે છે. પરંતુ આ શાળાએ આ ધારણા બદલી નાખી છે. શાળા પરિસરમાં નિર્માણ પામેલા ‘મેથ્સ પાર્ક’ના કારણે બાળકો હવે રમત-રમતમાં જ ગણિતના સિદ્ધાંતો સરળતાથી શીખી રહ્યા છે.
શાળાના શિક્ષકો અને આચાર્યના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કારીગરોએ ‘એબેકસ’, ‘નંબર લાઇન’ અને ભૂમિતિના વિવિધ મૉડેલ્સ તૈયાર કર્યા છે. વર્ગખંડ અને પુસ્તકોથી બહાર નીકળીને બાળકો પ્રવૃત્તિઓ દ્વારા ગણિતનો પ્રત્યક્ષ અનુભવ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે, મેથ્સ પાર્ક અને શિક્ષકોની સરળ સમજાવટના કારણે વર્ગખંડમાં જ તમામ વિષયવસ્તુ સ્પષ્ટ થઈ જાય છે, જેથી તેમને ટ્યુશનની કોઈ જરૂર પડતી નથી.
આ પ્રાયોગિક અભિગમના પરિણામે શાળાને ‘પીએમ શ્રી મોડેલ સ્કૂલ’નું ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. અનુભવ-આધારિત આ શિક્ષણ પદ્ધતિ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો નવો રાહ ચીંધવાની સાથે ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સંકલ્પને મજબૂત કરી રહી છે.
- Advertisement -
- Advertisement -