વડોદરાના મિસ્ત્રી પરિવારે 150 વર્ષથી સાચવ્યો રુદ્ર વીણાનો દુર્લભ વારસો: શ્રી કિશોરભાઈ મિસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
ગુજરાતની કલાનગરી તરીકે ઓળખાતા વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય સંગીત પરંપરાના અનમોલ અને દુર્લભ વાદ્ય ‘રુદ્ર વીણા’ના સંવર્ધન માટે સમર્પિત છે. મિસ્ત્રી પરિવારના આ ભગીરથ પ્રયાસોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા રુદ્ર વીણાના નિર્માણ માટે શ્રી કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની વર્ષ 2024 ના પ્રતિષ્ઠિત ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર‘ માટે પસંદગી કરવામાં આવી છે.
આ સન્માન અંગે પ્રતિભાવ આપતા 5 દાયકાથી રુદ્ર વીણા બનાવતા શ્રી કિશોરભાઈએ ભાવુક થઈને જણાવ્યું કે, “આ મારું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ મારા પૂર્વજોની સાધના-તપસ્યાનું ફળ છે અને ગુજરાતની સમૃદ્ધ સંગીત પરંપરાની રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ છે.” નોંધનીય છે કે, વર્ષ 2023માં પણ અકાદમી દ્વારા તેમને રુદ્ર વીણા નિર્માણના ‘ગુરુ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. જેના હેઠળ તેઓ હાલ ગુરુ-શિષ્ય પરંપરા મુજબ નવી પેઢીને આ કળા શીખવી રહ્યા છે.
કેવી રીતે બને છે રુદ્ર વીણા? જાણો તેની રોચક પ્રક્રિયા
શ્રી કિશોરભાઈના જણાવ્યા અનુસાર, રુદ્ર વીણા બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે કુદરતી તત્વો પર આધારિત છે. અને એક વીણા તૈયાર થતાં નકશીકામ સાથે અંદાજે 2 થી 3 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે:
-
તુંબડાની પસંદગી: ધ્વનિના ગુંજન માટે વીણાના બંને છેડે ગોળ તુંબડા લગાવાય છે. આ માટે મહારાષ્ટ્રના પંઢરપુરની ચંદ્રભાગા નદીના પટમાં થતા ખાસ તુંબડા (દૂધીના વેલાની વનસ્પતિ) પસંદ કરાય છે.
-
પેસિફિક બામ્બુનો દંડ: તુંબડાને જોડવા માટે ‘પેસિફિક બામ્બુ’ (વાંસ) વપરાય છે. તેને ઋતુ પ્રમાણે સુકવીને, ગરમ સળિયા વડે અંદરની ગાંઠો બાળીને પોલો કરવામાં આવે છે જેથી અવાજ વિના અવરોધે પસાર થઈ શકે.
-
મયુર આકૃતિ અને લાકડું: વીણાની ખૂંટીઓ માટે કાળા સીસમનો ઉપયોગ થાય છે. શાસ્ત્રોમાં સંગીતના પ્રથમ સૂર એટલે કે ‘ષડ્જ’ (સા) માટે મોરને પ્રતીક માનવામાં આવતો હોવાથી, આ વાદ્ય પર આકર્ષક મોર કંડારવામાં આવે છે.
વિશ્વના પ્રતિષ્ઠિત મ્યુઝિયમોમાં વડોદરાની વીણાનો ડંકો
મિસ્ત્રી પરિવાર વડોદરાના વેરાઇ માતા ચોક (ખંડેરાવ માર્કેટ પાસે) આવેલી 153 વર્ષ જૂની ઐતિહાસિક દુકાનમાંથી પોતાની કળાનો વિસ્તાર કરી રહ્યો છે. તેમના દ્વારા નિર્મિત વાદ્યો આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે:
-
ન્યૂયોર્ક (USA) નું મેટ્રોપોલિટન મ્યુઝિયમ (સિતાર)
-
હોલેન્ડ મ્યુઝિયમ (સરસ્વતી વીણા)
-
ફ્રાન્સ મ્યુઝિયમ અને બરોડા મ્યુઝિયમ (રુદ્ર વીણા)
-
આ ઉપરાંત, ગુજરાતના વડનગરમાં બની રહેલા ભવ્ય સંગીત મ્યુઝિયમ માટે પણ આ પરિવારે 31 જેટલા પરંપરાગત સંગીત વાદ્યો તૈયાર કર્યા છે.
ગુરુની તૂટેલી વીણા અને 153 વર્ષ જૂનો ઇતિહાસ
આ કળામાં મિસ્ત્રી પરિવારના પ્રવેશની વાર્તા પણ ખૂબ રસપ્રદ છે. કિશોરભાઈના પરદાદા શ્રી મનસુખ રઘુનાથજી ગાયકવાડ દરબારના પ્રખ્યાત રુદ્ર વીણા વાદક એમ.સી. બુઆ પાસે સંગીત શીખતા હતા. એકવાર અકસ્માતે ગુરુજીની વીણા તૂટી ગઈ. વડોદરામાં તેને ઠીક કરનાર કોઈ ન હોવાથી, મનસુખજીએ પોતાની કોઠાસૂઝથી તેને એવી અદભુત રીતે દુરસ્ત કરી કે ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુજીએ રાજી થઈને આશીર્વાદ આપ્યા અને નવું વાદ્ય બનાવવા પ્રેરણા આપી. બસ, એ જ દિવસથી 153 વર્ષ પહેલાં આ પરિવારનો વાદ્ય નિર્માણના ક્ષેત્રમાં ઐતિહાસિક પ્રવેશ થયો.
યુવા વર્ગમાં વધતી રુચિ:
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત ‘ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો-2023’ અંગે વાત કરતા કિશોરભાઈએ જણાવ્યું કે, આ એક્સ્પોમાં રુદ્ર વીણા અને તેના નિર્માણ પ્રત્યે દેશ-વિદેશના મુલાકાતીઓ, ખાસ કરીને યુવા વર્ગે જે ભારે રસ દાખવ્યો છે. તે ખરેખર દેશના સાંસ્કૃતિક વારસા માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.
- Advertisement -
- Advertisement -