39.2 C
Ahmedabad
Sunday, June 28, 2026

કૈલાશ માનસરોવર યાત્રા: ચીને વિઝા રોકતા 52 ભારતીયો નેપાળમાં અટવાયા, વિદેશ મંત્રાલય પાસે મદદની ગુહાર


પુણેના યાત્રિકો કાઠમંડુમાં ફસાયા; એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુલેએ વિદેશ મંત્રી એસ. જયશંકરને દખલ કરવા અપીલ કરી

કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળેલા આશરે 52 ભારતીયો હાલમાં નેપાળની રાજધાની કાઠમંડુમાં ફસાયા છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર (NCP-SP) ના સાંસદ સુપ્રિયા સુલેએ શનિવારે આ માહિતી આપી હતી અને વિદેશ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. જેથી શ્રદ્ધાળુઓ પોતાની આગળની યાત્રા સુચારુ રીતે શરૂ રાખી શકે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સુપ્રિયા સુલેએ વિદેશ મંત્રી એસ. જયશંકર, કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસને વિનંતી કરી છે કે, તેઓ આ બાબત પર ધ્યાન આપે અને જરૂરી સહાય પૂરી પાડે. મીડિયા અહેવાલો અનુસાર, કાઠમંડુમાં ફસાયેલા આ તમામ યાત્રીઓ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીન સરકારે આ યાત્રા માટે જરૂરી પરમિટ જાહેર કરી દીધી હતી અને તેની ફી પણ વસૂલ કરી લીધી હતી.પરંતુ છેલ્લી ઘડીએ તેમના વિઝા રોકી દેવામાં આવ્યા. છેલ્લા ચાર દિવસથી આ તમામ શ્રદ્ધાળુઓ કાઠમંડુમાં વિઝાની રાહ જોઈ રહ્યા છે.

પાંચ વર્ષ બાદ શરૂ થઈ છે આ યાત્રા

કૈલાશ માનસરોવર યાત્રા પર શરૂઆતમાં 2020માં કોવિડ-19 મહામારીના કારણે અને ત્યારપછી પૂર્વી લદ્દાખમાં એલએસી (LAC) પર ભારત-ચીન વચ્ચેના સૈન્ય ગતિરોધના કારણે રોક લગાવી દેવામાં આવી હતી. રશિયાના કઝાનમાં 2024માં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી બેઠક બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત થયા હતા. અને પાંચ વર્ષના લાંબા વિરામ બાદ ગત વર્ષે જૂન મહિનામાં આ યાત્રા ફરી શરૂ થઈ હતી.

21 જૂને શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ તિબેટમાં દાખલ થઈ 

કૈલાશ માનસરોવર યાત્રા પર જનારા તીર્થયાત્રીઓની પ્રથમ બેચ 21જૂને નાથુલા પાસ (દરો) થઈને ચીનના સ્વાયત્ત પ્રદેશ તિબેટમાં દાખલ થઈ હતી. આ જથ્થામાં ચાર સંપર્ક અધિકારીઓ અને એક તબીબી અધિકારી સહિત કુલ 44 તીર્થયાત્રીઓ સામેલ છે. સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર અને પ્રવાસન મંત્રી શેરિંગ થેંડુપ ભુટિયાએ આ બેચને લીલી ઝંડી બતાવીને તિબેટના ગ્યાંત્સે માટે રવાના કરી હતી.

વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી

બીજી તરફ, વિદેશ મંત્રાલયે ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા કરનારા ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી (ચેતવણી) જાહેર કરી છે. મંત્રાલયે શનિવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને એવી ઘણી વિનંતીઓ મળી છે. જેમાં ભારતીય નાગરિકો નેપાળમાં ફસાયેલા છે. આ નાગરિકો ચીનની જરૂરી પ્રવેશ પરમિટ અને વિઝા વિના જ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા આયોજિત યાત્રાના માધ્યમથી કૈલાશ માનસરોવરની યાત્રા કરી રહ્યા હતા.

નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સુધી યાત્રા માટેના તમામ જરૂરી દસ્તાવેજો મળી ન જાય, ત્યાં સુધી ભારતથી પ્રવાસ શરૂ ન કરવો. પાકા દસ્તાવેજો વિના અથવા ‘પછીથી દસ્તાવેજો મળી જશે’ તેવી આશા સાથે યાત્રા શરૂ કરવાથી અધવચ્ચે ફસાઈ જવાની શક્યતા વધી જાય છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તીર્થયાત્રીઓને સખત સલાહ આપવામાં આવે છે કે, તેઓ એ સુનિશ્ચિત કરે કે તેમના ટૂર ઓપરેટર યોગ્ય રીતે નોંધાયેલા (રજિસ્ટર્ડ) અને અધિકૃત હોય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -