મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને મેટ્રો સેવાઓ ઠપ્પ; પ્રમુખે દેશજોગ સંબોધનમાં સંવેદના વ્યક્ત કરી
“મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું…” : રાષ્ટ્રપતિએ ધ્રુજતા અવાજે વ્યક્ત કરી સંવેદના; ભૂકંપના ભયાનક દ્રશ્યો જોઈ કાળજું કંપી જશે
કારાકાસ:
વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે, જેમાં અંદાજે ૧૦,૦૦૦ થી લઈને ૧,૦૦૦,૦૦૦ (એક લાખ) જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ભૂકંપના કારણે વેનેઝુએલાના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ‘માઇકેટિયા એરપોર્ટ’ની છતનો એક ભાગ તૂટી પડતાં તેને ભારે નુકસાન થયું છે, જેના કારણે એરપોર્ટને હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.
કાર્યવાહક રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાત
દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે સરકારી ટીવી ચેનલ પર રાષ્ટ્રને સંબોધિત કરતા દેશમાં ઇમરજન્સી (આપાતકાલ) જાહેર કરી છે. તેમણે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક લશ્કરી જનરલની પણ નિમણૂક કરી છે. પોતાના ભાષણમાં તેમણે વેનેઝુએલાના નાગરિકોને એકજૂથ રહેવા અપીલ કરી હતી અને આપ્તજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, જોકે તેમણે સત્તાવાર રીતે મૃતકોનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી.
ટ્રેન, મેટ્રો અને શાળાઓ બંધ
રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, સુરક્ષાના ભાગરૂપે દેશમાં ટ્રેન અને મેટ્રો સેવાઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ સપ્તાહના બાકીના દિવસો માટે શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
૨૦થી વધુ આફ્ટરશોક્સ અને USGSની ચેતવણી
પ્રારંભિક ધરતીકંપ બાદ અત્યાર સુધીમાં ૨૦થી વધુ આફ્ટરશોક્સ (ભૂકંપના આંચકા) અનુભવાયા છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે અને નબળી પડેલી ઇમારતો ધરાશાયી થવાનો ભય વધી ગયો છે. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) એ ચેતવણી આપી છે કે આ આપત્તિની અસર ખૂબ મોટા વિસ્તારમાં થઈ શકે છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે.
આવતા અઠવાડિયે પણ આંચકા આવવાની શક્યતા
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના જીઓફિઝિસિસ્ટ વાશાન રાઈટના જણાવ્યા અનુસાર, જૂના ડેટાના આધારે આવતા અઠવાડિયે ૩ અને ૪ ની તીવ્રતાના આફ્ટરશોક્સ આવવાની ૯૯% શક્યતા છે. જ્યારે ૫ ની તીવ્રતાનો આંચકો આવવાની શક્યતા ૯૦% થી વધુ છે. જોકે, ૬ કે ૭ ની તીવ્રતાનો મોટો ભૂકંપ ફરીથી આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે.
૭.૨ અને ૭.૫ની તીવ્રતા: એમેઝોન સુધી ધ્રુજી ધરતી
અહેવાલો અનુસાર, વેનેઝુએલામાં આવેલા ૭.૨ અને ૭.૫ ની તીવ્રતાના બે ધરતીકંપના આંચકા પડોશી દેશ બ્રાઝિલના એમેઝોન ક્ષેત્ર સુધી અનુભવાયા હતા, જ્યાં સાવચેતીના ભાગરૂપે ઇમારતો ખાલી કરાવવી પડી હતી. બુધવારે મોડી રાત્રે આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં ૭.૧ નોંધાઈ હતી, જેને બાદમાં સુધારીને ૭.૨ કરવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ કારાકાસથી આશરે ૧૬૮ કિલોમીટર પશ્ચિમમાં કેરેબિયન દરિયાકાંઠે આવેલા મોરોન વિસ્તારની પશ્ચિમમાં હતું.
અમેરિકી દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જાહેર
કારાકાસ સ્થિત યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. દૂતાવાસ દ્વારા નાગરિકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા, ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશ ન કરવા અને સ્થાનિક મીડિયાના અપડેટ્સ પર નજર રાખી સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રહેવા વિનંતી કરવામાં આવી છે.
રાજધાની કારાકાસ સહિત દેશના અન્ય ભાગોમાં અનેક ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયા હોવાની આશંકા છે.