31.9 C
Ahmedabad
Wednesday, June 24, 2026

બનાસ જનરલ સિવિલની મોટી સફળતા: બે વર્ષ જૂની ગંભીર આંતરડાની બીમારી સામે દર્દીને મળ્યું નવજીવન, બે તબક્કામાં કરાયું સફળ ઓપરેશન


બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના 45 વર્ષીય રામસંગભાઈ રાતડા છેલ્લા બે વર્ષથી આંતરડાની ગંભીર બીમારીથી પીડિત હતા. આ દરમિયાન તેમણે પાલનપુર, ડીસા તેમજ અમદાવાદની અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. છતાં તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. સતત વધતી તકલીફોને કારણે પરિવારજનો નિરાશ થઈ ગયા હતા. અને સારવાર પાછળનો ખર્ચ પણ પરિવાર માટે આર્થિક બોજ બની રહ્યો હતો.

આખરે ગત 1 મેના રોજ રામસંગભાઈને બનાસ ડેરી સંચાલિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ દર્દીના અગાઉના તમામ રિપોર્ટની તપાસ કર્યા બાદ તેમને મેલ સર્જિકલ વોર્ડમાં દાખલ કર્યા હતા.

હોસ્પિટલમાં એક્સ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી તેમજ લોહીના જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દીના નાના આંતરડાનો એક ભાગ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો હતો. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. વિપુલ યાજ્ઞિક, ડો. રાજેશ મજીઠીયા, ડો. ફોરમ મોઢ, ડો. જીનલ ડો .પાર્થ તથા એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા બે તબક્કામાં જટિલ સર્જરી કરવામાં આવી હતી.પ્રથમ સર્જરીમાં નુકસાનગ્રસ્ત આંતરડાનો ભાગ દૂર કરીને સ્ટોમા બનાવવામાં આવ્યું હતું.

દર્દીના શરીરમાં લોહી, પ્રોટીન અને પોષણની ભારે ઉણપ હોવાથી સર્જરી પહેલાં જરૂરી લોહી ચડાવવામાં આવ્યું હતું.દર્દીનું વજન પણ ખૂબ ઓછું હોવાથી પ્રથમ તબક્કા પછી નસ મારફતે પોષણ આપીને તેમની તંદુરસ્તીમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ બીજા તબક્કાની સર્જરીમાં અગાઉ બહાર લાવવામાં આવેલા આંતરડાને ફરીથી પેટની અંદર સફળતાપૂર્વક જોડવામાં આવ્યું અને સ્ટોમા બંધ કરવામાં આવ્યું હતું.

સર્જરી બાદ દર્દીની સ્થિતિ ફરીથી અત્યંત ગંભીર બની ગઈ હતી. હૃદયના ધબકારા ધીમા પડી જતા તબીબોએ તાત્કાલિક CPR આપી હૃદય અને શ્વાસની કામગીરી પુનઃસ્થાપિત કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દર્દીના હૃદયની પમ્પિંગ ક્ષમતા માત્ર 20 ટકા જેટલી જ રહી હતી. જેના કારણે તેમની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. ત્યારબાદ દર્દીને વેન્ટિલેટર પર રાખીને ICUમાં ખસેડવામાં આવ્યા હતા.

એક સમયે દર્દી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. પરંતુ તબીબોની સમયસર સારવાર, સચોટ નિર્ણયશક્તિ અને સતત દેખરેખના કારણે તેમને મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

ICU વિભાગના ડો. બ્રિજેશ ચૌહાણ, ડો. મિત્તલ આંટીયા તથા તેમની ટીમે સતત 10 દિવસ સુધી દર્દીની સઘન દેખરેખ રાખી હતી. તબીબોની અથાગ મહેનત, સમયસર સારવાર અને આધુનિક તબીબી સુવિધાઓના કારણે દર્દી ધીમે ધીમે સ્વસ્થ બન્યા હતા.

અંતે 30 દિવસની લાંબી સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દર્દીના પરિવારજનોએ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -