બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરનું રાજીનામું: કહ્યું- ‘હવે પત્ની માટે સારો પતિ અને બાળકો માટે ઉત્તમ પિતા બનવું છે’
બ્રિટનના વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. લેબર પાર્ટીની અંદરથી વધી રહેલા આંતરિક દબાણ બાદ તેમણે આ મોટો નિર્ણય લીધો છે. દેશને સંબોધિત કરતી વખતે સ્ટાર્મરે પોતાના નેતૃત્વ અને પક્ષના ભવિષ્યને લઈને ઉઠી રહેલા સવાલોનો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘હવે પક્ષની અંદર એ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે લેબર પાર્ટીને આગળ લઈ જવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ કોણ છે અને શું આગામી ચૂંટણીમાં હું પક્ષનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છું? મેં મારા સાથીદારોનો અભિપ્રાય સાંભળ્યો છે અને હું તેને સ્વીકારું છું.’
દેશહિતને સર્વોપરી રાખીને લીધો નિર્ણય
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘મેં અત્યાર સુધી જે પણ નિર્ણયો લીધા છે, તે હંમેશા દેશહિતને સર્વોપરી રાખીને જ લીધા છે. આ જ કારણે હું લેબર પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. મેં આજે સવારે બ્રિટનના રાજા (કિંગ) સાથે વાત કરીને તેમને મારા આ નિર્ણયની જાણકારી આપી દીધી છે.’
નવા ઉત્તરાધિકારીને સંપૂર્ણ સમર્થન આપશે
સ્ટાર્મરે જણાવ્યું કે, ‘હું લેબર નેશનલ એક્ઝિક્યુટિવને વિનંતી કરીશ કે સપ્ટેમ્બરમાં આગામી સંસદીય સત્ર શરૂ થાય તે પહેલાં પક્ષના નવા નેતાની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. હું મારા ઉત્તરાધિકારીને સંપૂર્ણ સમર્થન આપીશ, જેથી લેબર પાર્ટીને દેશમાં બીજી ટર્મ મળી શકે. હું મારા તમામ સાથીદારોનો તેમના સહકાર બદલ આભાર માનું છું.’
પરિવાર માટે ભાવુક સંદેશ
પોતાના સંબોધનમાં ભાવુક થતાં સ્ટાર્મરે તેમની પત્ની વિક્ટોરિયાનો દરેક સારા-નરસા સમયમાં મજબૂત સહારો બની રહેવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે હું દેશનું આ સૌથી મોટું પદ છોડી રહ્યો છું, ત્યારે હું મારો વધુ સમય સૌથી મહત્વના કામ પાછળ વિતાવીશ. હવે મારે મારી પત્ની માટે એક શ્રેષ્ઠ પતિ અને મારા વહાલા બાળકો માટે એક ઉત્તમ પિતા બનવું છે, જેઓ મારી ખુશી અને ગર્વનો મુખ્ય સ્ત્રોત છે.’
સપ્ટેમ્બરમાં મળશે નવા વડાપ્રધાન
સ્ટાર્મરે લેબર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિને આગામી નેતૃત્વની ચૂંટણી માટે સમયપત્રક નક્કી કરવા જણાવ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત આગામી ૯ જુલાઈથી નામાંકન (નોમિનેશન) શરૂ થશે અને સંસદના ઉનાળુ વેકેશન પહેલાં ૧૬ જુલાઈના રોજ બંધ થઈ જશે. પક્ષની આંતરિક ચૂંટણી બાદ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે સપ્ટેમ્બરમાં સંસદનું સત્ર ફરી શરૂ થાય તે પહેલાં બ્રિટનને લેબર પાર્ટીના નવા નેતા અને વડાપ્રધાન મળી જાય.
- Advertisement -
- Advertisement -