જયપુરમાં ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદની મહિલા સ્લીપર સેલ ઝડપાઇ, ઓનલાઇન કલમા પઢી કર્યું હતું ધર્મ પરિવર્તન
રાજસ્થાનમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મિલિટરી ઇન્ટેલિજન્સ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટનગર જયપુરમાં એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. સુરક્ષા એજન્સીઓએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી એક મહિલા સ્લીપર સેલની અટકાયત કરી છે. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ બબીતા ધાકડ તરીકે થઈ છે.જે ગંગાપુરની રહેવાસી હતી અને હાલમાં જયપુરમાં રહેતી હતી.
સામરિક માહિતી મોકલવાનો મળ્યો હતો ટાસ્ક
સામે આવેલી વિગતો મુજબ, બબીતાએ ઓનલાઇન કલમા પઢીને ધર્મ પરિવર્તન કર્યું હતું. ધર્મ પરિવર્તન કર્યા બાદ તેણે પોતાનું નામ ‘ખદીજા’ રાખ્યું હતું. બબીતા પાકિસ્તાન જવા માંગતી હતી અને સોશિયલ મીડિયા દ્વારા જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતી. તે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એવા કેટલાક ગ્રૂપ્સ સાથે જોડાયેલી હતી. જેના પર પ્રતિબંધ મુકાયેલો છે. ધર્મ પરિવર્તન કરાવીને તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સામરિક (વ્યૂહાત્મક) માહિતી મોકલવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તે જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરના સાળા ઉસ્તાદ ગૌરીના સંપર્કમાં હતી. હાલમાં એજન્સીઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
બે સિમ કાર્ડ અને એક ફેસબુક એકાઉન્ટ મળ્યું
ગુપ્ત માહિતી મળ્યા બાદ ATS એ રવિવારે તેની અટકાયત કરી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ૨૭ જૂન સુધી ATSની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અટકાયત કર્યા બાદ જ્યારે મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઈ હતી. પ્રાથમિક તપાસમાં તેના મોબાઈલ ફોનમાંથી ઘણા ચોંકાવનારા પુરાવા મળ્યા છે. મહિલા પાસેથી બે સિમ કાર્ડ અને એક ફેસબુક એકાઉન્ટ મળી આવ્યું છે. જેમાં વાંધાજનક સામગ્રી અને વિદેશી પ્રોફાઈલ સાથે જોડાયેલી લિંક્સ મળી આવી છે.
બબીતા ઉર્ફે ખદીજાની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં ઘણી એવી પ્રોફાઈલ હતી. જેમાં જૈશ-એ-મોહમ્મદ અને અન્ય ઉગ્રવાદી સંગઠનો સાથે સંબંધિત ઝંડા અને હથિયારધારી આતંકીઓની તસવીરો લાગેલી હતી. તપાસમાં તેના વોટ્સએપ પર ઘણા પાકિસ્તાની નંબર અને અન્ય વિદેશી સંપર્કો સાથે સતત વાતચીત થતી હોવાના પાકા પુરાવા મળ્યા છે.
પાકિસ્તાન જવાની હતી તૈયારી
પૂછપરછ દરમિયાન મહિલાએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ જણાવ્યું કે પાકિસ્તાનમાં બેઠેલા એક મૌલવીએ ફોન દ્વારા તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.જે બાદ તેણે પોતાનું નામ ખદીજા રાખી લીધું હતું. એટલું જ નહીં, હેન્ડલર્સ દ્વારા તેને પાકિસ્તાન બોલાવવાની પૂરી યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. ATS એ મહિલા વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાયત) અધિનિયમ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
- Advertisement -
- Advertisement -