યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક ડ્રોન હુમલો કરીને રશિયન તંત્રને હચમચાવી દીધું છે. આ અઠવાડિયામાં બીજી વખત મોસ્કોની એક પ્રતિષ્ઠિત ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ઝેલેન્સ્કીનું નિવેદન: “આ રશિયાને સણસણતો જવાબ છે”
સોશિયલ મીડિયા પર આ હુમલાના વીડિયો વાયરલ થયા બાદ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે, આ હુમલો તાજેતરમાં રશિયા દ્વારા કિવ (Kyiv) પર કરવામાં આવેલા ઘાતકી હુમલાનો “યોગ્ય અને ન્યાયી જવાબ” છે.
-
ઐતિહાસિક વારસા પર હુમલો: તાજેતરમાં રશિયાએ યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કિવ-પેચેરસ્ક લાવરા મઠ સંકુલના ‘ડોર્મિશન કેથેડ્રલ’ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા.
-
ઝેલેન્સ્કીનો ટ્વીટ (X): “રશિયાના યુદ્ધના મશીનને જીવંત રાખતી સુવિધાઓ (રિફાઈનરી વગેરે) વિરુદ્ધ અમારા યોદ્ધાઓની આ કાર્યવાહી એક મોટું પરિણામ છે. હવે પુતિને વાટાઘાટો અને ડિપ્લોમેસી (રાજદ્વારી) નો રસ્તો અપનાવી યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ.”
-
આ હુમલાને ‘ઓપરેશન સ્પાઈડર્સ વેબ’ પછીનો યુક્રેનનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
રશિયામાં હડકંપ: 555 ડ્રોન તોડી પડાયા, તમામ એરપોર્ટ બંધ
રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, યુક્રેન તરફથી અણધાર્યો અને મોટો હુમલો થયો હતો:
-
રશિયન સેનાએ અલગ-અલગ વિસ્તારોમાં યુક્રેનના આશરે 555 ડ્રોન તોડી પાડ્યા છે.
-
માત્ર મોસ્કો તરફ આગળ વધી રહેલા 200 જેટલા ડ્રોનને હવામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા.
-
એરપોર્ટ એલર્ટ: સુરક્ષાના કડક પગલાંના ભાગરૂપે રશિયાના પરિવહન મંત્રાલયે મોસ્કોના તમામ મુખ્ય એરપોર્ટ — શેરેમેત્યેવો, ડોમોડેડોવો, વ્નુકોવો અને ઝુકોવ્સ્કી પરથી તમામ ફ્લાઈટ્સ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે.
પુતિનની હાઈ-પ્રોફાઈલ ASEAN બેઠક વચ્ચે જ હુમલો
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કઝાન શહેરમાં એશિયાન (ASEAN) દેશોના નેતાઓની યજમાની કરી રહ્યા છે.
સમિટની વિગતો: આ બેઠકમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, લાઓસ, મલેશિયા અને સિંગાપોરે તેમના વડાપ્રધાનોને મોકલ્યા છે.જ્યારે ફિલિપિન્સે તેના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસને મોકલ્યા છે.


