31.1 C
Ahmedabad
Tuesday, June 16, 2026

અમદાવાદમાં ઘરનું ઘર ખરીદવું બનશે મોંઘુંદાટ: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો, CREDAIનો બિલ્ડરો સાથે મળીને મોટો નિર્ણય


અમદાવાદ શહેરમાં પોતાનું સપનાનું ઘર ખરીદવા ઈચ્છતા મધ્યમવર્ગીય અને રોકાણકારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદ દ્વારા 400થી વધુ અગ્રણી બિલ્ડરો સાથે યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો કરવાનો આકરો નિર્ણય લેવાયો છે. આગામી 1 જુલાઈ 2026થી શહેરમાં નવા શરૂ થનારા પ્રોજેક્ટ્સમાં સીધો 10 ટકા અને ચાલુ પ્રોજેક્ટ્સમાં બાંધકામના સ્ટેજ પ્રમાણે ૫ ટકા સુધીનો ભાવ વધારો ઝીંકવામાં આવશે. વૈશ્વિક સ્તરે, ખાસ કરીને મધ્ય પૂર્વ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધના કારણે કન્સ્ટ્રક્શન રૉ મટીરિયલ્સના ભાવોમાં 30% થી 50% નો ભડકો થતાં બિલ્ડરોએ આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવાની ફરજ પડી છે.

નવા અને જૂના પ્રોજેક્ટ્સ પર ભાવ વધારાનું ગણિત

ક્રેડાઈના સત્તાવાર નિર્ણય મુજબ, ભાવ વધારો બે અલગ-અલગ કેટેગરીમાં લાગુ કરવામાં આવશે:

  • નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સ: જે રહેણાંક કે કોમર્શિયલ પ્રોજેક્ટ્સ હાલમાં જ લોન્ચ થયા છે અથવા પ્રાથમિક તબક્કામાં છે, તેમાં ગ્રાહકોને સીધો 10% નો ભાવવધારો નડશે.

  • પૂર્ણ થવાના આરે હોય તેવા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સનું સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે અને ફિનિશિંગ બાકી છે, તેમાં ખરીદદારો પર 5% જેટલો વધારો ઝીંકવામાં આવશે.

મોંઘું મટીરિયલ અને લેબરની અછત બની મુખ્ય કારણ

ક્રેડાઈ અમદાવાદના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય તણાવને કારણે બિલ્ડિંગ મટીરિયલ્સની ગ્લોબલ સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેનાથી પ્રોજેક્ટ કોસ્ટ અસાધારણ રીતે વધી ગઈ છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પરપ્રાંતીય મજૂરો હજુ સુધી ગુજરાત પરત ફર્યા નથી. આ લેબર શોર્ટેજને કારણે બાંધકામની ગતિ ધીમી પડી છે. બિલ્ડરોને હવે ડર છે કે જો ચાલુ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ નહીં થાય, તો રેરા (RERA) ના કડક નિયમો હેઠળ પઝેશનમાં વિલંબ બદલ તેમને મોટો દંડ ભોગવવો પડી શકે છે.

30 જૂન સુધીની રાહતની મુદત હવે પૂર્ણ

ડેવલપર્સના મતે, દેશના અન્ય મેટ્રો સિટીઝની સરખામણીએ અમદાવાદમાં હજુ પણ પ્રોપર્ટીના ભાવ નિયંત્રણમાં છે અને આ નવો વધારો મજબૂરીનો ભાગ છે. અગાઉ સંસ્થાએ ગ્રાહકોના હિતમાં 30 જૂન 2026 સુધી ભાવો સ્થિર રાખવાની જાહેરાત કરી હતી. જેથી લોકો જૂના ભાવે બુકિંગ કરાવી શકે. હવે આ ડેડલાઈન પૂર્ણ થતાં જ જુલાઈ મહિનાથી નવો ભાવ વધારો અમલી બની જશે. નિષ્ણાતોના મતે, જો મિડલ ઈસ્ટમાં તાત્કાલિક યુદ્ધવિરામ થાય તો પણ સપ્લાય ચેઈન પૂર્વવત થતાં ઓછામાં ઓછા 9 થી 12 મહિનાનો સમય લાગશે.

સરકાર અને રેરા ઓથોરિટી સમક્ષ રજૂઆત:

દેશના જીડીપી (GDP) માં બાંધકામ ઉદ્યોગ 7.8% નો સિંહફાળો ધરાવે છે અને રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી તથા જીએસટી પેટે કરોડોની આવક આપે છે. આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ક્રેડાઈ દ્વારા રેરા એક્ટની ‘ફોર્સ મેજર’ (અસાધારણ સંજોગો) ની જોગવાઈ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સત્તાવાર સમયમર્યાદા વધારી આપવા રેરા ઓથોરિટી અને રાજ્ય સરકારમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -