નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને R&D પર સરકારનું વિશેષ બજેટ ફોકસ

રાજ્યના ઔદ્યોગિક વિકાસને સુપરફાસ્ટ ટ્રેક પર લાવવા અને વર્ષ ૨૦૪૭ સુધીના લાંબાગાળાના આર્થિક લક્ષ્યાંકોને સર કરવાના હેતુથી ગુજરાત સરકારે પોતાની નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ (Industrial Policy-2026) ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નવી નીતિનો મુખ્ય એજન્ડા રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગ્લોબલ લેવલે મજબૂત બનાવવાનો, મોટા પાયે વિદેશી રોકાણ આકર્ષવાનો અને નવીનતમ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે નીતિમાં આધુનિક ટેકનોલોજી, ટકાઉ વિકાસ (Sustainability) અને ઇનોવેશન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ‘ફોકસ સેક્ટર્સ’ નક્કી કરાયા
બદલાતા સમયની સાથે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે સરકારે ચોક્કસ ક્ષેત્રોને ‘ફોકસ સેક્ટર’ તરીકે જાહેર કર્યા છે, જેમાં રોકાણ કરનારા ઉદ્યોગોને વિશેષ પ્રાધાન્ય મળશે:
-
ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીના અત્યાધુનિક સાધનો.
-
સેમિકન્ડક્ટર સહાયક (Ancillary) ઉદ્યોગો અને ઇલેક્ટ્રોનિક્સ રિસાયક્લિંગ.
-
ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ અને આધુનિક મોબિલિટી (ઇવી ક્ષેત્ર).
-
કેમિકલ્સ, હાઇ-ટેક ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ.
-
હેલ્થકેર, એગ્રો-પ્રોસેસિંગ અને ક્રિટિકલ મિનરલ્સ.
R&D માટે ₹૩૦૦ કરોડનું પ્રોત્સાહન: સ્થાપિત થશે ‘રિસર્ચ પાર્ક’
ગુજરાતમાં વૈશ્વિક સ્તરનું સંશોધન થાય તે માટે ‘રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’ (R&D) પ્રવૃત્તિઓ માટે સરકારે તિજોરીના દ્વાર ખોલ્યા છે. નવી નીતિ હેઠળ, રાજ્યમાં ઓછામાં ઓછું ₹૩૦૦ કરોડનું રોકાણ કરનારા પ્રથમ ૫ R&D સેન્ટરોને સરકાર તરફથી વિશેષ નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. આ પેકેજમાં મૂડી સબસિડી, જમીન ખરીદી પર આર્થિક સહાય, કર્મચારીઓનો ખર્ચ અને વૈશ્વિક પેટન્ટ મેળવવા માટેની આર્થિક મદદ સામેલ છે. આ ઉપરાંત, દુનિયાભરની દિગ્ગજ આઇટી અને ટેકનોલોજી કંપનીઓને ગુજરાત લાવવા માટે ‘ગુજરાત રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક’ સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે.
મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને બૂસ્ટર ડોઝ
ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જવા માટે માસિક ભથ્થું અને સીડ ફંડિંગ સપોર્ટ વધારવામાં આવ્યો છે. ખાસ કરીને ફિનટેક, બાયોટેક, ગ્રીન એન્ટરપ્રાઇઝ અને મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સને વિશેષ ક્રેડિટ લિંક્ડ સહાય મળશે. આ સિવાય, મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે વ્યાજ સબસિડી, ઓફિસ/ફેક્ટરી ભાડા સહાય અને એક ખાસ એક્સેલરેટર પ્રોગ્રામની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.
ઇકો-ફ્રેન્ડલી ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને કામદાર કલ્યાણ
ઔદ્યોગિકીકરણની સાથે પર્યાવરણની જાળવણી માટે સરકાર ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ’ (ZLD) અને વેસ્ટવોટર રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ સ્થાપનારા એકમોને મોટી સબસિડી આપશે. ઔદ્યોગિક કામદારોના જીવનધોરણને સુધારવા માટે ખાનગી ઔદ્યોગિક પાર્કની અંદર જ આવાસ (હાઉસિંગ) અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો બનાવવાની જોગવાઈ છે.
Project T.H.R.I.V.E. ની એન્ટ્રી:
ભીડભાડવાળા અને પ્રદૂષિત શહેરી વિસ્તારોમાંથી ઉદ્યોગોને બહાર સુરક્ષિત ઝોનમાં ખસેડવા માટે સરકાર ‘Project T.H.R.I.V.E.’ અંતર્ગત સ્થળાંતર કરતા ઉદ્યોગોને વિશેષ આર્થિક પ્રોત્સાહનો અને કરમુક્તિનો લાભ આપશે.
આ નવી નીતિને લઈને ઉદ્યોગ જગતના દિગ્ગજો અને MSME એસોસિએશને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પોલિસીમાં રાખવામાં આવેલી લવચીક (Flexible) પ્રોત્સાહન વ્યવસ્થા આગામી દિવસોમાં ગુજરાતમાં ટેક્સટાઇલ, કેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણના તમામ રેકોર્ડ તોડી નાખશે.
- Advertisement -
- Advertisement -