ગાંધીનગરમાં કોરોનાની રી-એન્ટ્રી: ચારધામ યાત્રાથી પરત ફરેલા મહિલા સંક્રમિત, આરોગ્ય તંત્ર એલર્ટ

એક સમયે સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હવે લગભગ ભૂતકાળ બની ગયો હોય તેમ લોકો ભયમુક્ત થઈને સામાન્ય જીવનશૈલી તરફ પરત ફરી ગયા હતા. જોકે, ગાંધીનગરમાં લાંબા સમય બાદ કોરોનાનો નવો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ફરી દોડતું થયું છે. શહેરમાં આશરે 14 મહિનાના લાંબા વિરામ બાદ કોરોનાની એન્ટ્રી થતાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને સાવચેતીના તમામ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા એક 51 વર્ષીય મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડની ચારધામ યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા હતા. યાત્રાથી આવ્યા બાદ તેમને શરદી, ઊધરસ અને તાવ જેવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાયા હતા. શરૂઆતમાં પરિવારે તેને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન સમજીને સ્થાનિક સ્તરે સારવાર લીધી હતી. પરંતુ તબિયત વધુ બગડતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મહિલાને વધુ સારવાર અને કડક નિરીક્ષણ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જણાવાયું છે.
મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ગાંધીનગર આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા સંક્રમિત મહિલાના પરિવારજનો અને તેમના નજીકના સંપર્કમાં આવેલા તમામ લોકોના તાકીદે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે પ્રાથમિક તપાસમાં અન્ય કોઈ પણ વ્યક્તિ સંક્રમિત ન જણાતા તંત્ર અને સ્થાનિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. ગાંધીનગરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો એક પણ સક્રિય કેસ ન હતો. ત્યારે હવે લાંબા વિરામ બાદ આ કેસ સામે આવતા આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા, સ્વચ્છતા જાળવવા અને કોરોનાના લક્ષણો જણાય તો સ્વ-સારવાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવા ખાસ અપીલ કરી છે.
- Advertisement -
- Advertisement -