41.8 C
Ahmedabad
Tuesday, June 9, 2026

માતમમાં બદલાઈ સગાઈની ખુશીઓ, મહારાષ્ટ્રના જળગાંવમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 સહિત 6ના મોત


જે પરિવારે ઘેરથી ખુશી-ખુશી સગાઈના પ્રસંગમાં જવા માટે સફર શરૂ કરી હતી, તેમને કદાચ અંદાજ પણ નહીં હોય કે મંઝિલ પર પહોંચતા પહેલા જ કાળ તેમનો ઈન્તઝાર કરી રહ્યો છે. મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના અમલનેર તાલુકામાં મંગળવારે સવારે થયેલા એક ભયાનક ટ્રિપલ રોડ અકસ્માતે છ જિંદગીઓ છીનવી લીધી. આ અકસ્માતમાં ગુજરાતના એક જ પરિવારના પાંચ લોકો સહિત કુલ છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. અમલનેર-ધૂળે માર્ગ પર મંગરૂળ ગામ પાસે સવારે સાત વાગ્યાની આસપાસ આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

જોરદાર ટક્કરથી વાહનોના કુરચેકુરચા ઉડ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત પાસિંગની એક બલેનો કાર અમલનેરમાં આયોજિત સગાઈના પ્રસંગમાં હાજરી આપવા આવી રહી હતી. આ દરમિયાન કારની સામેથી આવી રહેલી મોટરસાઇકલ અને એસટી (ST) બસ સાથે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માતનું સૌથી દર્દનાક પાસું એ રહ્યું કે કારમાં સવાર આખો પરિવાર ખુશીના પ્રસંગમાં સામેલ થવા જઈ રહ્યો હતો, પરંતુ થોડી જ ક્ષણોમાં તેમની જિંદગીની સફર કાયમ માટે થંભી ગઈ.

બાઇક સવારનું પણ ઘટનાસ્થળે જ મોત

મૃતકોની ઓળખ આદિત્ય ચંદ્રકાંત મહાજન, અનીતા સુરેશ મહાજન, નિર્મલા નંદલાલ મહાજન, નંદલાલ ગોપાલ મહાજન અને સુરેશ વિક્રમ મહાજન તરીકે થઈ છે. આ તમામ લોકો ગુજરાતના વ્યારા શહેરના રહેવાસી હોવાનું કહેવાય છે. તો બીજી તરફ મોટરસાઇકલ ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કર કેટલી ભયાનક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટરસાઇકલ સંપૂર્ણપણે ચકચૂર થઈ ગઈ હતી, જ્યારે કારનો આગળનો ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને માતમનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનો સમય બગાડ્યા વિના રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.

કારમાં ફસાયેલા બાળકને લોકોએ બચાવ્યો

અકસ્માતની માહિતી મળતાં જ ડાયલ-112ની ટીમ, પોલીસ ઈન્સ્પેક્ટર દત્તાત્રેય નિકમ, હેડ કોન્સ્ટેબલ કૈલાશ શિંદે, રવિ પાટીલ અને અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માત વચ્ચે એક આશાનું કિરણ પણ જોવા મળ્યું હતું. કારમાં ફસાયેલા એક નાનકડા બાળકને ગ્રામજનો, પોલીસકર્મીઓ અને એસટી કર્મચારીઓએ ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. જોકે, આ અકસ્માતમાં એસટી બસમાં સવાર દીપક દિલીપ પાટીલ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -