Monsoon Tips: વરસાદમાં આશ્રયની શોધમાં ઘર તરફ આવી શકે છે સાપ-વીંછી, આ સરળ ટિપ્સથી પરિવારને રાખો સુરક્ષિત

ચોમાસાની (Monsoon) ઋતુ જ્યાં અસહ્ય ગરમીમાંથી રાહત લઈને આવે છે. ત્યાં જ તે પોતાની સાથે અનેક પ્રકારના પડકારો પણ લાવે છે. વરસાદ શરૂ થતાંની સાથે જ સાપ (Snakes), વીંછી (Scorpions) અને અન્ય ઝેરી જીવો (Venomous Creatures) પોતાના કુદરતી રહેઠાણોમાંથી બહાર આવવા લાગે છે. સતત વરસાદ, પાણી ભરાવા (Waterlogging) અને વધતી ભેજને કારણે તેમના દરો અને છુપાવવાની જગ્યાઓમાં ફેરફાર થાય છે.જેના લીધે તેઓ સુરક્ષિત સ્થાનોની શોધમાં રહેણાંક વિસ્તારો અને ઘરો તરફ આગળ વધી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે, ચોમાસા દરમિયાન થોડીક સાવધાની અને નિયમિત જાળવણી રાખવાથી આવા ખતરનાક જીવોને ઘરથી દૂર રાખી શકાય છે. આ માટે સૌથી પહેલા ઘર અને તેની આસપાસની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અવારનવાર ઘરોની આસપાસ જમા થયેલો કચરો, સૂકા લાકડા, જૂનો સામાન, ઈંટોના ઢગલા અને ગીચ ઝાડીઓ સાપ અને વીંછી માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની જાય છે. આવા સ્થળોની નિયમિત સફાઈ કરવાથી આ જીવોના પ્રવેશવાની શક્યતા ઘણી ખરી ઓછી થઈ શકે છે.
ચોમાસા દરમિયાન વધેલા ઘાસ અને ઝાડીઓ પર પણ નજર રાખવી જરૂરી છે. લાંબા સમય સુધી કાપણી વગરનું ઘાસ ઝેરી જીવોના છુપાવવા માટેનું આદર્શ સ્થળ બની શકે છે. તેથી ઘરની આસપાસના ખુલ્લા વિસ્તારોની નિયમિત સફાઈ અને ઘાસની કાપણી સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઘરની સંરચનાની (બાંધકામની) તપાસ કરવી પણ આ ઋતુમાં ખૂબ જ જરૂરી બની જાય છે. દીવાલો, બારીઓ, દરવાજા અને ફ્લોરિંગમાં રહેલી નાની-નાની તિરાડો સાપ અને વીંછીના પ્રવેશવાનો રસ્તો બની શકે છે. ઘણી વખત લોકો આ મામૂલી તિરાડોને અવગણે છે. પરંતુ આ જ જગ્યાઓ ખતરનાક જીવો માટે ઘરની અંદર આવવાનું માધ્યમ બની જાય છે. આવી સ્થિતિમાં સિમેન્ટ, સિલેન્ટ અથવા અન્ય યોગ્ય સામગ્રીની મદદથી તમામ ગેપ અને તિરાડોને બંધ કરી દેવી જોઈએ.
વરસાદમાં ઘરની અંદર ભેજ અને અંધારું પણ એક મોટી સમસ્યા બની શકે છે. સ્ટોર રૂમ, બેઝમેન્ટ અને ઓછા ઉપયોગમાં લેવાતા રૂમમાં અવારનવાર ભેજ રહે છે. જે સાપ અને વીંછીને આકર્ષિત કરી શકે છે. તેથી આ સ્થળોની નિયમિત સફાઈ, યોગ્ય વેન્ટિલેશન (હવા-ઉજાસ) અને પૂરતો પ્રકાશ જાળવી રાખવો જરૂરી છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ રાખેલા પગરખાં (બૂટ-ચંપલ), કપડાં કે અન્ય સામાન પણ આવા જીવોના છુપાવવાની જગ્યા બની શકે છે.
સુરક્ષા નિષ્ણાતો સલાહ આપે છે કે, ચોમાસાની ઋતુમાં કોઈપણ બંધ જગ્યા અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલા સામાનનો ઉપયોગ કરતા પહેલા તેની સારી રીતે તપાસ કરી લેવી જોઈએ. બૂટ પહેરતા પહેલા તેને ખંખેરી લેવા અને સ્ટોર કરેલા સામાનને સાવધાનીપૂર્વક ઉઠાવવો અકસ્માતોથી બચવામાં મદદ કરી શકે છે.
જો ઘરમાં કોઈ ઝેરી સાપ કે વીંછી દેખાયાની માહિતી મળે, તો ગભરાવાની કે તેને જાતે પકડવાની કોશિશ કરવી જોઈએ નહીં. આવા કિસ્સાઓમાં પ્રશિક્ષિત નિષ્ણાતો, વન વિભાગ અથવા એનિમલ રેસ્ક્યૂ ટીમની (પશુ બચાવ દળ) મદદ લેવી એ સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તાલીમ વિના આવા જીવોને પકડવાનો પ્રયાસ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
- Advertisement -
- Advertisement -