ભારતનો વિશ્વ ઇતિહાસ: અફઘાનિસ્તાન સામે જીત મેળવી સતત 15 મેચ સુધી અજેય રહેનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો

ભારતીય ક્રિકેટ ટીમએ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર જીત નોંધાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) ના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરી દીધો છે. ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રનના વિશાળ અંતરથી હરાવીને ન માત્ર પોતાની ક્રિકેટ શ્રેષ્ઠતા સાબિત કરી, પરંતુ એક એવો વર્લ્ડ રેકોર્ડ (World Record) પણ પોતાના નામે કરી લીધો છે જે અત્યાર સુધી અન્ય કોઈ ક્રિકેટ દેશ હાંસલ કરી શક્યો નથી.
આ જીત સાથે ભારત કોઈપણ એક હરીફ ટીમ સામે સતત ૧૫ આંતરરાષ્ટ્રીય મેચો સુધી અજેય રહેનારો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. આ સિદ્ધિ તમામ ફોર્મેટને સંયુક્ત રીતે મેળવીને નોંધાઈ છે. જેમાં ટેસ્ટ, વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો સામેલ છે. આ સમયગાળા દરમિયાન ભારતે અફઘાનિસ્તાન સામે 15 મેચ રમી હતી.જેમાંથી 12 મેચમાં જીત મેળવી હતી, જ્યારે બે મેચ ટાઈ રહી હતી અને એક મેચ પરિણામ વિના (નો-રિઝલ્ટ) સમાપ્ત થઈ હતી.
ભારતીય ટીમની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે ક્રિકેટ ઇતિહાસમાં ઘણી મોટી અને સફળ ટીમો હોવા છતાં કોઈ પણ દેશ કોઈ એક હરીફ સામે આટલી લાંબી અજેય શ્રેણી જાળવી શક્યો ન હતો. ક્રિકેટ જગતની દિગ્ગજ ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પણ આ યાદીમાં ભારતની આસપાસ દેખાતી નથી. આ રેકોર્ડ ભારતીય ક્રિકેટની સાતત્યતા, ઊંડાણ અને વિવિધ પરિસ્થિતિઓમાં પ્રદર્શન કરવાની ક્ષમતા દર્શાવે છે.
રેકોર્ડની યાદીમાં ભારત પછી ન્યૂઝીલેન્ડનું નામ આવે છે, જેણે આયર્લેન્ડ સામે સતત 13 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી. એ જ રીતે યુગાન્ડાએ નાઇજીરીયા સામે સતત 13 મેચોમાં સફળતા મેળવી હતી. જોકે, અજેય રહેવાના સમયગાળા અને મેચોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત હવે સૌથી ટોચ પર પહોંચી ગયું છે. ભારતનો આયર્લેન્ડ સામે 11 મેચ સુધી અજેય રહેવાનો રેકોર્ડ પણ તેની મુખ્ય સિદ્ધિઓમાં સામેલ છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચોનો ઇતિહાસ પણ ઘણી યાદગાર ક્ષણોથી ભરેલો રહ્યો છે. વર્ષ 2018 ના એશિયા કપમાં બંને ટીમો વચ્ચે રમાયેલી વનડે મેચ ટાઈ રહી હતી. તે મેચમાં અફઘાનિસ્તાને પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો અને ભારતીય ટીમ રન ચેઝ કરતી વખતે બરાબરી પર પહોંચી શકી હતી. આ મેચ બંને દેશોના ક્રિકેટ સંબંધોના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે.
આ પછી વર્ષ 2024માં બંને ટીમો વચ્ચે રમાયેલી એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચે પણ ભારે હેડલાઇન્સ મેળવી હતી. તે મેચમાં બે-બે સુપર ઓવર જોવા મળી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી રોમાંચક મેચોમાં ગણાય છે. ભારતીય બેટ્સમેનો અને બોલરોએ દબાણની પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કરીને અંતે જીત પોતાના નામે કરી હતી.
તાજેતરની ટેસ્ટ જીતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ભારત વિશ્વ ક્રિકેટની સૌથી મજબૂત અને સંતુલિત ટીમોમાં સામેલ છે. સતત વર્ષો સુધી કોઈ ટીમ સામે અજેય રહેવું એ માત્ર પ્રતિભાનું પરિણામ નથી. પરંતુ આયોજનબદ્ધ તૈયારી, મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ અને સતત સારા પ્રદર્શનનું પરિણામ છે. આ જ કારણ છે કે, આ સિદ્ધિ માત્ર એક આંકડાકીય રેકોર્ડ નથી. પરંતુ લાંબા સમયથી ચાલી આવતા ભારતીય ક્રિકેટના પ્રભુત્વનું પ્રતીક પણ માનવામાં આવે છે.
- Advertisement -
- Advertisement -