30.6 C
Ahmedabad
Monday, June 8, 2026

જયપુરમાં રાત્રે 12 વાગ્યાથી મોબાઈલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ, તંત્ર દ્વારા કડક આદેશ જાહેર


રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવાર, ૮ જૂનના રોજ યોજાનારી એક બહુ મોટી દબાણ હટાવવાની ઝુંબેશને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મોબાઈલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, આ આકરા ઓપરેશન દરમિયાન શહેરમાં કાયદો, સુવ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ આગોતરું પગલું ભરવામાં આવ્યું છે.

જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા મળતી માહિતી મુજબ, ૮ જૂન ૨૦2૬ ના રોજ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ ઝુંબેશ દરમિયાન કેટલાક ધાર્મિક સ્થળો સહિત અન્ય ગેરકાયદેસર બાંધકામો પર પણ બુલડોઝર ફરે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને જોતાં તંત્રએ સુરક્ષા વ્યવસ્થા અત્યંત લોખંડી કરી દીધી છે.

અફવાઓ અને ભ્રામક વીડિયો રોકવા માટે લીધો નિર્ણય જયપુરના ડિવિઝનલ કમિશનર (સંભાગીય આયુક્ત) વી. સરવન કુમારે આ અંગે સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ સેવાઓના દુરુપયોગથી અફવાઓ ફેલાવાની તથા જાહેર શાંતિ જોખમાવાની પૂરેપૂરી આશંકા છે. સંવેદનશીલ કાર્યવાહી દરમિયાન ભ્રામક મેસેજ, ખોટા વીડિયો કે ઉશ્કેરણીજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈને માહોલ બગાડી શકે છે, જેથી એહતિયાત તરીકે ઈન્ટરનેટ સેવાઓ મર્યાદિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

જયપુરના આ વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ રહેશે ઠપ્પ સરકારી આદેશ અનુસાર, જયપુર પોલીસ કમિશનરેટ હેઠળ આવતા ગલતા ગેટ, માણક ચોક, સુભાષ ચોક, આદર્શ નગર, બ્રહ્મપુરી, નાહરગઢ, કોતવાલી, જલૂપુરા, સંજય સર્કલ, શાસ્ત્રી નગર, ભટ્ટા બસ્તી, વિદ્યાધર નગર, જયસિંહપુરા ખોર, બનીપાર્ક, કાનોતા, તૂંગા, આંધી, જમવારામગઢ, સામોદ, રાયસર, ગોવિંદગઢ, ચંદવાજી, શાહપુરા, અચરોલ, વિરાટનગર, પાવટા, પ્રાગપુરા, મનોહરપુર, ભાબરુ, કાલાડેરા, ચોમૂ, હરમાડ, ઝોટવાડા, કરધની, વૈશાલી નગર, સોડાલા, શ્યામ નગર અને ગાંધી નગર વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત બજાજ નગર, માલવીય નગર, જવાહર સર્કલ, સાંગાનેર, પ્રતાપનગર, મુહાના, શિવદાસપુરા, બગરૂ, દૂદૂ, ફાગી અને ફુલેરા સહિત જયપુર ઉત્તર તેમજ જયપુર પૂર્વ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ આ પ્રતિબંધ લાગુ રહેશે.

૨૪ કલાક માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ બંધ, વૉઇસ કોલ ચાલુ રહેશે તંત્રના આદેશ હેઠળ ૭ જૂન ૨૦2૬ ની રાત્રે ૧૨ વાગ્યાથી લઈને ૮ જૂન ૨૦2૬ ની રાત્રે ૧૨ વાગ્યા સુધી (કુલ ૨૪ કલાક માટે) તમામ 2G, 3G, 4G અને 5G મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ રહેશે. આ સમયગાળા દરમિયાન વોટ્સએપ, ફેસબુક, એક્સ (ટ્વિટર), એસએમએસ (SMS), એમએમએસ (MMS) અને અન્ય સોશિયલ મીડિયા આધારિત એપ્લિકેશનો કામ નહીં કરે. જોકે, સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે વૉઇસ કોલિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે, જેથી લોકોને જરૂરી સંપર્ક કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

તંત્ર દ્વારા જનતાને સહકાર આપવા અપીલ જિલ્લા પ્રશાસને સામાન્ય નાગરિકોને શાંતિ, એકતા અને સૌહાર્દ જાળવી રાખવા માટે અપીલ કરી છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે લોકો કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને માત્ર સત્તાવાર સોર્સ પર જ ભરોસો કરે. આ સાથે જ આદેશોનું ઉલ્લંઘન કરનારા કે અફવા ફેલાવનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ અપ્રિય ઘટનાને તાત્કાલિક રોકવા માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ તૈનાત કરી દેવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -