શેરબજારમાં રક્તપાત: સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને ફગાવી દેતા મધ્ય-પૂર્વમાં ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) તેજ બન્યો છે. આ સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેની નકારાત્મક અસરને પગલે ભારતીય બજાર માટે આજની સવાર ‘બ્લેક મોર્નિંગ’ સાબિત થઈ છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડા જોવા મળ્યા હતા.
રોકાણકારોની મૂડીમાં અધધ… ઘટાડો
બજારમાં જોવા મળેલા આ પ્રચંડ વેચાણના દબાણને કારણે રોકાણકારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ટ્રેડિંગની શરૂઆતની ગણતરીની સેકન્ડોમાં જ BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં ₹3.37 લાખ કરોડનું ધોવાણ થયું હતું. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, 8 મે 2026ના રોજ માર્કેટ કેપ ₹4,73,10,919 કરોડ હતી, જે વેચાણના પ્રવાહમાં ઘટીને ₹4,69,73,145 કરોડના સ્તરે પહોંચી ગઈ છે.જે બજારમાં વ્યાપેલી ગભરાટ સૂચવે છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો અને સેક્ટરની સ્થિતિ
ઇન્ડેક્સની વાત કરીએ તો, BSE સેન્સેક્સ 830 પોઈન્ટ અથવા 1.07% ના ઘટાડા સાથે 76,497 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 240 પોઈન્ટ તૂટીને 23,936 ના સ્તરે સરકી ગયો હતો. સ્મોલકેપથી લઈને મિડકેપ સુધીના તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં 2% થી 3% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. જે રોકાણકારોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ
વૈશ્વિક પરિદ્રશ્યમાં અમેરિકન બજારોમાં શુક્રવારે સામાન્ય મજબૂતી હતી, પરંતુ આજે એશિયન બજારોમાં ક્રૂડના વધતા ભાવે ડરનો માહોલ પેદા કર્યો છે. જાપાન અને હોંગકોંગના બજારોમાં નબળાઈ જોવા મળી છે.જોકે દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ અપવાદરૂપે 5% વધીને નવી ઊંચાઈએ પહોંચ્યો છે. હાલમાં ભારતીય બજારમાં બેંકિંગ અને એનર્જી સેક્ટર સહિતના તમામ મહત્વના ક્ષેત્રો ભારે વેચાણના દબાણ હેઠળ છે. જેને કારણે બજાર રિકવર થવાની શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે.
- Advertisement -
- Advertisement -