દેત્રોજના રાજપુરામાં ફૂડ પોઈઝનિંગનો આતંક: ‘સેવ-ખમણી’ ખાધા બાદ 96 ગ્રામજનોની તબિયત લથડી

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગમાં પીરસાયેલો નાસ્તો ગ્રામજનો માટે ભારે પડ્યો છે. પ્રસાદમાં ‘સેવ-ખમણી’ ખાધા બાદ અંદાજે 96 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની વિગત: મોડી રાત્રે પીરસાયો હતો નાસ્તો
બુધવારે રાત્રે રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાનો અને ગ્રામજનોને અલ્પાહારમાં ‘સેવ-ખમણી’ આપવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, પરંતુ ગુરુવારે વહેલી સવારથી જ લોકોમાં તેની આડઅસર જોવા મળી હતી. એક પછી એક લોકોને ઉલટી, પેટમાં દુખાવો અને ઝાડાની ફરિયાદો થવા લાગતા ગામમાં ફાળકો પડ્યો હતો.
આરોગ્ય વિભાગની તાત્કાલિક કામગીરી
બીમાર લોકોની સંખ્યામાં સતત વધારો થતાં જિલ્લા આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું. જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. ચિંતન દેસાઈએ આપેલી વિગતો મુજબ:
-
કુલ અસરગ્રસ્ત: 96 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
-
ડિસ્ચાર્જ: પ્રાથમિક સારવાર બાદ 58 દર્દીઓની તબિયત સુધરતા તેમને રજા આપવામાં આવી છે.
-
સારવાર હેઠળ: હાલ 38 લોકો હોસ્પિટલમાં છે, પરંતુ તમામની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
-
અગમચેતી: જે 214 લોકોએ નાસ્તો કર્યો હતો, તેમને સાવચેતીના ભાગરૂપે દવાઓ આપવામાં આવી છે.
કારણની તપાસ: ફૂડ સેફ્ટી વિભાગ એક્શનમાં
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે.
“ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ પર જઈને નાસ્તાના નમૂના તેમજ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. ફૂડ પોઈઝનિંગ ખોરાકની ગુણવત્તાને કારણે થયું કે દૂષિત પાણીને લીધે, તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.” – આરોગ્ય વિભાગ
- Advertisement -
- Advertisement -