પત્ની પર 80 કેસ કરનાર વકીલ પતિને સુપ્રીમ કોર્ટનો ઝટકો: 5 કરોડ ચૂકવવાનો અને તમામ કેસ પાછા ખેંચવાનો આદેશ

સામાન્ય રીતે છૂટાછેડાના કેસ વર્ષો સુધી ખેંચાતા હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સામે આવેલો આ કિસ્સો લગ્નજીવનના ‘મહાભારત’ સમાન સાબિત થયો છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા આ કાયદાકીય જંગનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટે પોતાની વિશેષ સત્તા (Article 142) નો ઉપયોગ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે લગ્નજીવન વ્યવહારિક રીતે ખતમ થઈ ચૂક્યું હોય, તેમાં વિવાદ ખેંચવો નિરર્થક છે.
વકીલાતનો દુરુપયોગ: પત્ની અને વકીલ પર કર્યા 80 કેસ
આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે પતિ પોતે એક પ્રેક્ટિસિંગ એડવોકેટ છે. પત્નીના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે પતિએ પોતાની કાનૂની વગનો દુરુપયોગ કરીને પત્ની, તેના પરિવારજનો અને તેના વકીલ વિરુદ્ધ 80થી વધુ કેસ અને ફરિયાદો નોંધાવી હતી.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે નોંધ્યું કે:
-
પતિ અનેક કંપનીઓમાં ડાયરેક્ટર હોવા છતાં આર્થિક હકીકતો છુપાવતો હતો.
-
તેણે ફેમિલી કોર્ટ કે હાઈકોર્ટના ભરણપોષણના આદેશોનું પણ પાલન કર્યું ન હતું.
-
પતિની ફરિયાદો વેરની ભાવનાથી અને પત્નીને હેરાન કરવા માટે હોય તેમ જણાય છે.
પતિની દલીલ: “જેલવાસથી પ્રતિષ્ઠા ખરડાઈ”
બીજી તરફ પતિએ પક્ષ રજૂ કર્યો હતો કે પત્નીએ તેની વિરુદ્ધ ઘરેલુ હિંસા અને કલમ 498A હેઠળ કેસ કર્યા હતા, જેના કારણે તેને જેલ જવું પડ્યું હતું. આ ઘટનાથી તેની સામાજિક અને વ્યવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. તેણે એમ પણ દાવો કર્યો કે પત્ની ભણેલી-ગણેલી હોવાથી આત્મનિર્ભર બની શકે તેમ છે, છતાં તે ભરણપોષણ માંગી રહી છે.
સુપ્રીમ કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો
કોર્ટે આ ‘લગ્ન મહાભારત’નો કાયમી ઉકેલ લાવવા માટે નીચે મુજબના કડક આદેશો આપ્યા છે:
-
5 કરોડનું ભરણપોષણ: પતિએ આગામી એક વર્ષની અંદર પત્નીને કાયમી ભરણપોષણ પેટે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
-
તમામ કેસ રદ: પત્ની, તેના પરિવાર અને વકીલો વિરુદ્ધ પતિએ કરેલી તમામ FIR, ફરિયાદો અને અરજીઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
-
બાળકોની કસ્ટડી: બંને પુત્રોની કસ્ટડી માતા પાસે રહેશે. જોકે પિતાને બાળકોને મળવાનો અધિકાર (Visitation Rights) આપવામાં આવ્યો છે.
-
રહેઠાણની શરત: પત્ની હાલ મુંબઈના લોખંડવાલામાં તેના સસરાના ફ્લેટમાં રહે છે. જો તેને 5 કરોડની રકમ જોઈતી હોય, તો તેણે આગામી 2 અઠવાડિયામાં આ ફ્લેટ ખાલી કરવો પડશે.
કોર્ટની અંતિમ ચેતવણી: સુપ્રીમ કોર્ટે પતિને કડક તાકીદ કરી છે કે હવે પછી તે પત્ની કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ પણ નવી કાનૂની ફરિયાદ નોંધાવી શકશે નહીં. આ ચુકાદા સાથે 2016થી ચાલી રહેલા આ કાયદાકીય જંગનો અંત આવ્યો છે.
- Advertisement -
- Advertisement -